શું RCB પર લાગશે એક વર્ષનો પ્રતિબંધ? IPL ૨૦૨૬માં નહીં મળે એન્ટ્રી? વાયરલ દાવાની સત્યતા જાણો
IPL ટ્રોફી જીત્યાના દિવસો બાદ જ RCB મુશ્કેલીમાં: ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડમાં ૧૧નાં મોત બાદ ફ્રેન્ચાઈઝી સામે કેસ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધના દાવા વાયરલ!

RCB ban news 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ૧૮ વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ૩ જૂને ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો. પરંતુ, આ જીતની ખુશી લાંબો સમય ટકી શકી નથી તેમ લાગી રહ્યું છે. બીજા જ દિવસે, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજયોત્સવ દરમિયાન મચેલી ભાગદોડમાં ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ RCB ફ્રેન્ચાઈઝી સહિત ૪ સંગઠનો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, અને હવે સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગ્લોર ટીમ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.
કેસની વર્તમાન સ્થિતિ અને કાર્યવાહી
ભાગદોડની ઘટના બાદ RCB સહિત ૪ પક્ષો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટમાં તેની સામેની એફઆઈઆર રદ કરવા માટે અરજી દાખલ કરી છે. આ કેસમાં બેંગલુરુ ફ્રેન્ચાઈઝના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની ધરપકડ પણ કરવામાં આવી છે. તે જ સમયે, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના બે વરિષ્ઠ અધિકારીઓએ આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પ્રતિબંધના દાવા અને વાયરલ પોસ્ટ્સની સત્યતા
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો RCB ટીમ કોઈપણ રીતે દોષિત સાબિત થાય છે, તો તેને IPLમાંથી એક વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડશે. એવું કહેવામાં આવ્યું છે કે તપાસકર્તાઓ આ બાબતની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત, એક બીજો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર IPLના સત્તાવાર એકાઉન્ટે RCBને અનફોલો કરી દીધું છે. જોકે, આ દાવો ખોટો છે, કારણ કે RCB ટીમ હજુ પણ ઇન્ડિયન પ્રીમિયર લીગની ફોલોઈંગ યાદીમાં હાજર છે.
જ્યાં સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર એક વર્ષના પ્રતિબંધની વાત છે, BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા) એ હજુ સુધી આ વિષય પર કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. બેંગલુરુ નાસભાગ કેસની તપાસ હજુ પણ ચાલુ છે, પરંતુ અત્યાર સુધી BCCI એ પ્રતિબંધ લાદવા જેવી કોઈ કાર્યવાહી કરી નથી. આમ, RCB પર પ્રતિબંધના દાવા હાલ પૂરતા માત્ર અફવા જ છે.




















