પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ
પાકિસ્તાની ટીમે તાજેતરમાં જ ઘરેલુ મેદાન પર T20 ત્રિકોણીય શ્રેણીનો ખિતાબ જીત્યો હતો, જેમાં ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું.

પાકિસ્તાની ટીમે તાજેતરમાં જ ઘરેલુ મેદાન પર T20 ત્રિકોણીય શ્રેણીનો ખિતાબ જીત્યો હતો, જેમાં ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાની ટીમના બોલિંગ અને બેટિંગ બંને તરફથી પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું. હવે, ICC એ આક્રમક બેટ્સમેન ફખર ઝમાન સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે, જે ફાઇનલ મેચમાં પાકિસ્તાની ટીમના પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતો. તેને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે અને ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે.
ફખર ઝમાને કર્યું નિયમ 2.8નું ઉલ્લંઘન
શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં પાકિસ્તાની ટીમ પહેલા બોલિંગ કરી રહી હતી. ફખર ઝમાનએ ઇનિંગની 19મી ઓવરના પહેલા બોલ પર દાસુન શનાકાનો શાનદાર કેચ લીધો હતો. ઓન-ફિલ્ડ અમ્પાયરે નિર્ણયને સમીક્ષા માટે થર્ડ અમ્પાયરને મોકલ્યો. જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લે તપાસ્યું, ત્યારે તેણે કેચ દરમિયાન બોલ જમીનને સ્પર્શતો જોયો જેના પરિણામે તેણે તેને નોટ આઉટ જાહેર કર્યો. ફખર ઝમાન આ નિર્ણય પર ઓન-ફિલ્ડ અમ્પાયર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. જ્યારે શનાકા ઓવરના આગલા બોલ પર બોલ્ડ થયો, ત્યારે ફખર ઝમાને બંને હાથ ઊંચા કરીને ત્રીજા અમ્પાયરને અપીલ કરી. ICC એ હવે ફખર ઝમાનના આ વર્તન સામે કડક કાર્યવાહી કરી છે.
ફખર ઝમાનની મેચ ફીમાંથી 10% કાપવામાં આવ્યા
ICC એ હવે ICC આચાર સંહિતાના કલમ 2.8 ના લેવલ 1 ના ઉલ્લંઘન બદલ તેની મેચ ફી પર 10% દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ફખર ઝમાનના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. 24 મહિનાના સમયગાળામાં તેની સામે ICC દ્વારા લેવામાં આવેલી આ પહેલી કાર્યવાહી છે. ફખર ઝમાનએ ICC દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી સ્વીકારી છે, અને આ મામલે આગળ કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં.
ફખર ઝમાન પોતાનો ગુનો કબૂલી લીધો હતો
ફખર ઝમાન પોતાનો ગુનો કબૂલી લીધો છે અને દંડ સ્વીકારી લીધો છે. તેથી, ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર નથી. લેવલ 1 ઉલ્લંઘન માટે લઘુત્તમ દંડ સત્તાવાર ઠપકો છે, જ્યારે મહત્તમ દંડ ખેલાડીની મેચ ફીના 50 ટકા અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ છે. પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને છ વિકેટથી હરાવીને ત્રિકોણીય શ્રેણી જીતી હતી.




















