IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શને ટેસ્ટ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે: ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે એક જ શ્રેણીમાં 4 બેટ્સમેનોએ 400 થી વધુ રન બનાવ્યા હોય. આ સિદ્ધિ શુભમન ગિલ, કે.એલ. રાહુલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાના નામે થઈ છે. માન્ચેસ્ટર ટેસ્ટને ડ્રો કરવામાં ગિલ (103), જાડેજા (અણનમ 107), અને વોશિંગ્ટન સુંદર (અણનમ 101) ની સદીઓએ, તેમજ રાહુલ (90) ની મહત્વપૂર્ણ ઇનિંગે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટેસ્ટ શ્રેણીનો અનોખો રેકોર્ડ
આ શ્રેણીમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી આ ટેસ્ટ શ્રેણીમાં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા – આ ચાર બેટ્સમેનોએ વ્યક્તિગત રીતે 400 થી વધુ રન બનાવ્યા છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવો "ચમત્કાર" પહેલીવાર બન્યો છે, જ્યારે કોઈ એક ટેસ્ટ શ્રેણીમાં 4 ભારતીય બેટ્સમેનોએ 400 થી વધુ રનનો આંકડો પાર કર્યો હોય. આ પહેલા ક્યારેય કોઈ ટેસ્ટ શ્રેણીમાં આવું બન્યું ન હતું, જે ભારતીય બેટિંગ લાઇનઅપની ઊંડાણ અને મજબૂતી દર્શાવે છે.
માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો કરવામાં મુખ્ય ભૂમિકા
માન્ચેસ્ટર ટેસ્ટને ડ્રો કરવામાં આ ચાર બેટ્સમેનોએ ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 669 રન બનાવીને 311 રનની વિશાળ લીડ મેળવી હતી. જવાબમાં, ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગની શરૂઆત અત્યંત ખરાબ રહી, જેમાં યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થયા.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં, કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલે બાજી સંભાળી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 421 બોલમાં 188 રનની મજબૂત ભાગીદારી થઈ. કમનસીબે, રાહુલ 90 રન બનાવીને આઉટ થયો અને સદી ચૂકી ગયો, જ્યારે શુભમન ગિલે તેની શ્રેણીની ચોથી અને ટેસ્ટ કારકિર્દીની 9મી સદી ફટકારીને 103 રનની શાનદાર ઇનિંગ રમી.
જાડેજા અને સુંદરની અણનમ સદીઓ
ગિલ અને રાહુલ આઉટ થયા પછી, ભારતીય ચાહકોમાં મેચ હારવાની ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર એક અલગ જ દ્રઢતા સાથે મેદાનમાં આવ્યા. બંનેએ કાળજીપૂર્વક અને આક્રમક રીતે બેટિંગ કરી ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું. પાંચમી વિકેટ માટે બંને વચ્ચે 203 રનની અણનમ ભાગીદારી થઈ. વોશિંગ્ટન સુંદર 206 બોલમાં 101 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે રવિન્દ્ર જાડેજા પણ 185 બોલમાં 107 રન બનાવીને અણનમ પાછો ફર્યો.