india vs england odi squad: ભારતીય ક્રિકેટ ટીમ આવતા જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં 5 T20 અને 3 વનડે મેચોની સિરીઝ રમાશે. આ મહત્વના પ્રવાસ માટે BCCI દ્વારા સોમવારે વનડે ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં વિરાટ કોહલીની વાપસી થઈ છે (જોકે તેનું રમવું ફિટનેસ પર નિર્ભર રહેશે) અને અફઘાનિસ્તાન સિરીઝમાં આરામ કરનાર જસપ્રીત બુમરાહને પણ પાછો બોલાવાયો છે. પરંતુ, આ ટીમ સિલેક્શનમાં પસંદગીકારોએ એવા 5 ખેલાડીઓની મોટી અવગણના કરી છે, જેમણે તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું હતું અથવા જેઓ ટીમના સ્ટાર ખેલાડીઓ છે. ચાલો વિગતવાર જાણીએ આ 5 ખેલાડીઓ કોણ છે જેમને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
1. યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે તાજેતરમાં જ અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડેમાં 110 રનની અણનમ અને શાનદાર મેચવિનિંગ ઇનિંગ રમી હતી. જોકે, શરૂઆતની બે મેચમાં તે માત્ર 28 રન (24 અને 4) જ બનાવી શક્યો હતો. તેની સદી બાદ ક્રિકેટ ચાહકોને લાગતું હતું કે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટિકિટ ચોક્કસ મળશે, પરંતુ પસંદગીકારોએ તેને બહાર રાખીને મોટો ઝટકો આપ્યો છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં તે વિરાટ કોહલીના સ્થાને રમ્યો હતો.
2. મોહમ્મદ સિરાજ
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ ઇંગ્લેન્ડ સામેની વનડે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ પહેલા તેને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાંથી પણ પડતો મુકાયો હતો. સિરાજને ડ્રોપ કરવાના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર ચાહકો ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે. સિરાજની જગ્યાએ ગુરનુર બ્રારને પહેલીવાર વિદેશ પ્રવાસ માટે તક મળી છે. તમને જણાવી દઈએ કે સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 50 વનડે રમીને 76 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચોઃ IND vs ENG: સદી ફટકાર્યાના 24 કલાકમાં જ આ સ્ટાર ખેલાડી ટીમ ઇન્ડિયામાંથી બહાર, ફેન્સ ગુસ્સે
3. હર્ષ દુબે
અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં ડેબ્યૂ કરનાર યુવા ખેલાડી હર્ષ દુબેને પણ નિરાશા સાંપડી છે. તેણે પોતાની પહેલી જ મેચ (ધર્મશાલા)માં 3 વિકેટ ઝડપીને શાનદાર શરૂઆત કરી હતી અને ચેન્નાઈની ત્રીજી વનડેમાં પણ 1 વિકેટ લીધી હતી. આટલા સારા પ્રદર્શન છતાં તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી.
4. પ્રિન્સ યાદવ
IPL 2026 માં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યા બાદ ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં તક મળી હતી. તેણે લખનૌ વનડેમાં 2 અને ચેન્નાઈ વનડેમાં 1 વિકેટ લઈને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. પરંતુ, કમનસીબે તેને પણ ઇંગ્લેન્ડ સામેની આગામી ટીમમાંથી આઉટ કરી દેવાયો છે.
5. ઋષભ પંત
સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત લાંબા સમયથી વનડે ટીમની બહાર ચાલી રહ્યો છે. તેણે ઓગસ્ટ 2024 માં પોતાની છેલ્લી વનડે રમી હતી. પસંદગીકારોએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પણ તેની ફરી એકવાર અવગણના કરી છે. પંતે 31 વનડેની 27 ઇનિંગ્સમાં 871 રન બનાવ્યા છે, છતાં તે ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી.
આ પણ વાંચોઃ રોહિત શર્માના ભવિષ્ય અને ઓપનિંગ અંગે કેપ્ટન ગિલનું નિવેદન - ‘આ માથાનો દુખાવો...’
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની વનડે ટીમ:
કેપ્ટન: શુભમન ગિલ
વાઇસ-કેપ્ટન: શ્રેયસ ઐયર
બેટ્સમેન: રોહિત શર્મા, વિરાટ કોહલી (ફિટનેસને આધીન)
વિકેટકીપર: કેએલ રાહુલ, ઇશાન કિશન
ઓલરાઉન્ડર: વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી
બોલર: કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનુર બ્રાર
