બાંગ્લાદેશનિા પૂર્વ અંડર-19 ખેલાડી મોહમ્મદ શોજિબનું નિધન થયું છે. 21 વર્ષીય બેટ્સમેન શોજિપે આત્મહત્યા કરી છે. આત્મહત્યાના કારણની જાણકારી હજુ સુધી સામે નથી આવી. બાંગ્લાદેશના યુવા સ્ટાર શોજિબ એક જમોણી બેટ્સમેન હતા જે અંતિમ વખત 2017-18માં ઢાકા પ્રીમિયર લીગમાં શાઇનપુકુર ક્રિકેટ ક્લબ માટે રમ્યા હતા. તેણે બાંગ્લાદેશ માટે ત્રણ યૂથ વનડે મેચ પણ રમી હતી.


શોજિબ વર્ષ 2018ના અંડર 19 વર્લ્ડ કપમાં સ્ટેન્ડ બાઈ ખેલાડી તરીકે હાજર હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર ખાલિદ મહમૂદે કહ્યું, ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો. હું ઘણો દુખી છું. શોજિબ એક ઓપનિંગ બેટ્સમેન અને મીડિયમ પેસર હતો. ઈએસપીએન ક્રિકેઇન્ફોમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, બાંગ્લાદેશમાં એવી કોઈ સંસ્થા નથી જે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ખેલાડીઓને સહાયદા ઉપલબ્ધ કરાવે. માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સમય સમય પર માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતો ઉપલબ્ધ કરાવ્યા છે.

બાંગ્લાદેશના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તનુમોય ઘોષે દિવંગત શોજિબ વિશે કહ્યું કે, ‘હું હંમેશા માનતો હતો કે તે લાંબા સમય સુધી રમી શકે છે કારણ કે તે એકેડમીમાં ઘણી મહેનત કરી રહ્યો હતો. શોજિબ સાથે જે થયું તે જાણીને ખૂબ જ દુઃખ થયું.’

માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ખેલાડીઓ લઈ રહ્યા છે બ્રેક

હાલના વર્ષોમાં અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓ માનસિક સ્વાસ્થ્યની બીમારીનો સામનો કરતા જોવા મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્લેન મેક્સવેલ માનસિક સ્વાસ્થ્ય મુદ્દા પર છ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહ્યા હતા. ભારતના વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં વિલ કોવસ્કીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોવસ્કી 2018માં જ ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવવાની નજીક હતા પરંતુ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે તેને રમતમાંથી બ્રેક લેવો પડ્યો હતો.