IND vs PAK T20 World Cup: કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાએ 61 રનની શાનદાર જીત મેળવી હતી. મેચ પછી આખી ટીમ ઉજવણી કરી રહી હતી, ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સ્પિનર કુલદીપ યાદવ પર નારાજ જોવા મળ્યો હતો.
હાર્દિક પંડ્યા એક કેચ છોડવા પર ગુસ્સે થયો
આખો વિવાદ પાકિસ્તાનની ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન શરૂ થયો. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો અને શાહીન આફ્રિદી સામે હતો. ઓવરના બીજા બોલ પર હાર્દિકે શોર્ટ-પિચ બોલ ફેંક્યો, જેને શાહીન આફ્રિદીએ ફટકાર્યો હતો. બોલ સીધો કુલદીપ યાદવ પાસે ગયો, પરંતુ કુલદીપે એક સરળ કેચ છોડી દીધો. વધુમાં, બોલ તેના હાથમાંથી સરકી ગયો અને સિક્સ થઈ ગયો હતો. હાર્દિક આ ભૂલથી સ્પષ્ટપણે નિરાશ દેખાતો હતો, જોકે તેણે તાત્કાલિક પ્રતિક્રિયા આપી ન હતી.
જીત બાદ ગુસ્સે થયો હતો.
હાર્દિકનો ખરો ગુસ્સો ત્યારે ભડકી ઉઠ્યો જ્યારે તેણે ત્રણ બોલ પછી ઉસ્માન તારિકને આઉટ કર્યો, જેનાથી પાકિસ્તાનનો દાવ 114 રન પર સમાપ્ત થઈ ગયો. જ્યારે ટીમ વિકેટની ઉજવણી કરી રહી હતી ત્યારે હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ તરફ ગયો અને કેચ છોડવા બદલ તેને ઠપકો આપવા લાગ્યો હતો. વીડિયોમાં હાર્દિક ખૂબ જ આક્રમક સ્વરમાં બોલતો દેખાય છે, જ્યારે કુલદીપના ચહેરા પર નિરાશા અને ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
સાથી ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી
અન્ય ખેલાડીઓએ હાર્દિકને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ પણ કુલદીપથી નારાજ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના એક વીડિયોમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવાર, 15 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી કચડી નાખ્યું છે. આ શાનદાર વિજય સાથે જ ભારતીય ટીમે સતત ત્રણ જીત મેળવી ગ્રુપ-A (Group-A) ના પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી સુપર-8 (Super-8) તબક્કા માટે ક્વોલિફાય કરી લીધું છે. પાકિસ્તાન સામે રનની દ્રષ્ટિએ મળેલી આ જીત ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.
