Gautam Gambhir Indian Coach: ભારતીય ક્રિકેટ ટીમમાં જુલાઈ 2024 માં મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરે કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગંભીર શરૂઆતથી જ યુવા ટેલેન્ટને વધુમાં વધુ તક આપવાની તરફેણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે IPL 2026 પછી વૈભવ સૂર્યવંશી, પ્રિન્સ યાદવ, ગુરનુર અને સૂર્યાંશ શેડગે જેવા અનેક યુવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. પરંતુ, આ સિક્કાની બીજી બાજુ એ છે કે યુવાઓના આગમન સાથે ટીમ ઈન્ડિયાના કેટલાક સિનિયર ખેલાડીઓ ધીમે ધીમે પડદા પાછળ ધકેલાઈ રહ્યા છે. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગંભીરના કોચ બન્યા બાદ નીચે મુજબના ત્રણ સિનિયર ખેલાડીઓની કારકિર્દી હવે લગભગ ખતમ થવાના આરે છે અને તેમનું ફરીથી ટીમમાં પાછા ફરવું ખૂબ જ મુશ્કેલ છે.
1. મોહમ્મદ શમી
મોહમ્મદ શમી 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમ્યો નથી. ત્યારથી પસંદગીકારો તેને સતત નજરઅંદાજ કરી રહ્યા છે. ટીમમાંથી બહાર થયા બાદ પણ શમીએ હાર ન માની અને 2025-26 ની સ્થાનિક સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું. તેણે રણજી ટ્રોફીની 7 મેચમાં 37 વિકેટ, વિજય હજારે ટ્રોફીની 7 મેચમાં 15 વિકેટ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 16 વિકેટ ઝડપી હતી. જ્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને તાજેતરમાં શમીની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે શમી ફિટનેસ સમસ્યાઓના કારણે ટીમની બહાર હોવાનું જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે શમીએ પાછલી સ્થાનિક સિઝનમાં કુલ 68 વિકેટ લીધી હોવા છતાં તેને ટીમમાં સ્થાન મળ્યું નથી.
2. રવિન્દ્ર જાડેજા
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અચાનક જ ટીમમાંથી ક્યારે ગાયબ થઈ ગયો તેની કોઈને ખબર જ ન પડી. 2024 ના T20 વર્લ્ડ કપ પછી તેણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે (ODI) શ્રેણી પછી, જાડેજા ટેસ્ટ કે વનડે કોઈપણ ટીમમાં જોવા મળ્યો નથી. એટલું જ નહીં, તેને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ તેમજ અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે રમાયેલી વનડે શ્રેણીમાંથી પણ સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ IND vs ZIM: JioStar કે SonyLIV પર નહીં દેખાય મેચ! જાણો ક્યાં જોવા મળશે લાઈવ પ્રસારણ
3. મોહમ્મદ સિરાજ
ગયા વર્ષ સુધી મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાના મુખ્ય અને સિનિયર બોલરોમાંનો એક ગણાતો હતો, પરંતુ હવે તેને અચાનક જ ટીમમાંથી સાઇડલાઇન કરી દેવામાં આવ્યો છે. સિરાજ હાલમાં T20 અને વનડે (ODI) ટીમમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. જોકે તે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં જરૂર રમ્યો હતો, પરંતુ વનડે ટીમમાંથી તેની બાદબાકી સ્પષ્ટપણે સૂચવે છે કે તે મેનેજમેન્ટની 2027 ના વર્લ્ડ કપની યોજનાઓનો હિસ્સો નથી.
આ પણ વાંચોઃ BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
