Gautam Gambhir Lawsuit Against Deepfake: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ, પૂર્વ સાંસદ અને વર્લ્ડ કપ વિજેતા ખેલાડી ગૌતમ ગંભીરે (Gautam Gambhir) પોતાની ઓળખના દુરુપયોગને લઈને દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે અદાલતમાં એક સિવિલ દાવો દાખલ કરી આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર તેમના નામ, ચહેરા અને અવાજનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગંભીરનો આરોપ છે કે તેમના નામે અનેક ફેક વીડિયો અને પોસ્ટ ફેલાવવામાં આવી રહી છે.

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ગંભીરનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઇન્ટરનેટ પર તેમના નામે અનેક નકલી વીડિયો અને પોસ્ટ ફેલાવવામાં આવી રહી છે. આ વીડિયોમાં ડીપફેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનિકનો ઉપયોગ કરીને એવું દર્શાવવામાં આવે છે જાણે તેઓ પોતે કોઈ નિવેદન આપી રહ્યા હોય, જ્યારે હકીકતમાં તેમણે એવું કંઈ કહ્યું નથી.

તેમના વકીલોના જણાવ્યા અનુસાર, એક ફેક રાજીનામું આપતો વીડિયો સોશિયલ મીડિયા પર લગભગ 29 લાખ વાર જોવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વીડિયોમાં તેમને સિનિયર ક્રિકેટરોના વર્લ્ડ કપ રમવા પર ટિપ્પણી કરતા દર્શાવવામાં આવ્યા હતા. આ વીડિયો અંદાજે 17 લાખ લોકોએ જોયો હતો.

Continues below advertisement
Continues below advertisement

સોશિયલ મીડિયા સહિત અનેક કંપનીઓને પક્ષકાર બનાવી

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ગૌતમ ગંભીરે અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સાથે સાથે મોટી કંપનીઓને પણ પક્ષકાર બનાવી છે. જેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, મેટા, એક્સ (X) અને ગૂગલ જેવી કંપનીઓ સામેલ છે. આરોપ છે કે આ પ્લેટફોર્મ પર પરવાનગી વગર તેમના નામ અને તસવીરવાળા પોસ્ટર અને અન્ય સામાન પણ વેચવામાં આવી રહ્યો છે. ગંભીરે અદાલત પાસે માંગ કરી છે કે તેમના નામ, ફોટો, અવાજ કે ઓળખનો કોઈ પણ પ્રકારે ઉપયોગ તેમની લેખિત પરવાનગી વગર ન કરવામાં આવે. સાથે જ તેમણે ફેક વીડિયો અને પોસ્ટ તાત્કાલિક હટાવવા માટે વચગાળાનો આદેશ જારી કરવાની પણ અપીલ કરી છે.

ગૌતમ ગંભીરે 2.5 કરોડ રૂપિયા વળતરની માંગ કરી

કોર્ટમાં ગંભીરના વકીલે કહ્યું કે મારી ઓળખનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા અને પૈસા કમાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ માત્ર વ્યક્તિગત બાબત નથી, પરંતુ કાયદા અને સન્માનની રક્ષાનો સવાલ છે. આ મામલે તેમણે અંદાજે 2.5 કરોડ રૂપિયાના વળતરની પણ માંગ કરી છે.