5 Wickets in 1 Over: ક્રિકેટની રમતમાં રોજ નવા રેકોર્ડ બને છે અને તૂટે છે, પરંતુ ઈન્ડોનેશિયાની ધરતી પર જે બન્યું છે તે કદાચ આવનારા વર્ષો સુધી અકબંધ રહેશે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (T20 International Cricket) એક એવો ચમત્કાર જોવા મળ્યો છે જે લસિથ મલિંગા કે રાશિદ ખાન જેવા વિશ્વના દિગ્ગજ બોલરો પણ કરી શક્યા નથી. ઈન્ડોનેશિયાના 28 વર્ષીય ફાસ્ટ બોલર ગેડે પ્રિયંદનાએ (Gede Priandana) માત્ર 1 ઓવરમાં 5 વિકેટ ઝડપીને વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ લખી દીધો છે.

બાલીમાં રમાયેલી ઈન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચેની મેચમાં આ ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મેચની 16 મી ઓવરમાં જ્યારે બોલ પ્રિયંદનાના હાથમાં આવ્યો ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે શું થવાનું છે. આ ઓવરમાં પ્રિયંદનાએ માત્ર 1 રન આપ્યો, અને તે પણ 'વાઈડ' (Wide) નો હતો. બાકીના 6 બોલમાં તેણે કંબોડિયાના 5 બેટ્સમેનોને આઉટ કરીને તરખાટ મચાવી દીધો હતો.

પ્રિયંદનાએ ઓવરના પહેલા ત્રણ બોલ પર જ વિકેટોની રમઝટ બોલાવી દીધી હતી. તેણે પહેલા શાહ અબરાર હુસૈન, ત્યારબાદ નિર્મલજીત સિંહ અને ત્રીજા બોલે ચાન્થૌન રથનકને આઉટ કરીને પોતાની 'હેટ્રિક' (Hat-trick) પૂરી કરી હતી. આટલેથી ન અટકતા, તેણે તે જ ઓવરમાં મોંગદારા સોક અને પેલ વેન્નકને પણ શૂન્ય રન પર પેવેલિયન ભેગા કરી દીધા હતા.

Continues below advertisement
Continues below advertisement

પુરુષ કે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં (History of Cricket) આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ બોલરે એક જ ઓવરમાં 5 વિકેટ લેવાની અનોખી સિદ્ધિ મેળવી હોય. આ પહેલા લસિથ મલિંગા, રાશિદ ખાન, જેસન હોલ્ડર અને કર્ટિસ કેમ્ફર જેવા બોલરોએ 1 ઓવરમાં 4 વિકેટ લેવાનો રેકોર્ડ (Record) નોંધાવ્યો હતો, પરંતુ પ્રિયંદનાએ આ તમામ દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.

આ મેચના પરિણામની વાત કરીએ તો, ઈન્ડોનેશિયાએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 167 રન બનાવ્યા હતા, જેમાં વિકેટકીપર ધર્મા કેસુમાએ શાનદાર 110 રન ફટકાર્યા હતા. જવાબમાં કંબોડિયાની ટીમ 15 ઓવરમાં 5 વિકેટે 106 રન બનાવીને રમી રહી હતી. મેચ રોમાંચક બની શકે તેમ હતી, પરંતુ પ્રિયંદનાનો જાદુ ચાલતા ચિત્ર બદલાઈ ગયું.

પ્રિયંદનાની 16 મી ઓવર આવતા જ કંબોડિયાની ટીમ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. 106 રન પર 5 વિકેટ હતી અને જોતજોતામાં આખી ટીમ 107 રનમાં 'ઓલઆઉટ' (All Out) થઈ ગઈ હતી. માત્ર 1 રનના ગાળામાં જ ટીમે છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી, જે ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના છે.

હવે રેકોર્ડ બુકમાં ગેડે પ્રિયંદનાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. T20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાની યાદીમાં તે ટોચ પર છે. જ્યાં મલિંગા (શ્રીલંકા), રાશિદ ખાન (અફઘાનિસ્તાન) અને જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડીઝ) જેવા ખેલાડીઓ 4 વિકેટ સાથે હતા, ત્યાં હવે પ્રિયંદના 5 વિકેટ સાથે 'વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર' (World Record Holder) બની ગયો છે.