Shubman Gill Century GT vs MI IPL 2023: ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમન ગિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની ક્વોલિફાયર-2 મેચમાં શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે 60 બોલમાં 129 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. શુભમન ગિલની ઇનિંગને કારણે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. આ રીતે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પાસે ક્વોલિફાયર-2 મેચ જીતવા માટે 234 રનનો ટાર્ગેટ છે.
શુભમન ગિલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે
શુભમન ગિલ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. શુભમન ગિલની સદી પર ક્રિકેટના દિગ્ગજો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે શુભમન ગિલ વર્તમાન સમયના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. વાસ્તવમાં, શુભમન ગિલ IPL 2023ની સિઝનમાં 3 વખત સદીનો આંકડો પાર કરી ચૂક્યો છે.
સિઝનની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટીમના ખેલાડી શુભમન ગીલે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા ઓરેન્જ કેપની રેસમાં ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો છે. હવે ગિલ આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતશે તે લગભગ નિશ્ચિત છે.
શુભમન ગિલ આ વર્ષની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં છે. ગિલના બેટમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સદી જોવા મળી છે. આ સિવાય વનડે ક્રિકેટમાં તેના બેટમાંથી બેવડી સદી પણ નીકળી છે. 23 વર્ષીય ગિલ આ સિઝનમાં ગુજરાત ટીમના બેટિંગ ઓર્ડરનો મુખ્ય ખેલાડી સાબિત થયો છે.
ક્વોલિફાયર 2 મેચ પહેલા શુભમન ગિલે 15 ઇનિંગ્સમાં 55.54ની એવરેજથી 722 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા ગિલ અને ડુ પ્લેસિસ વચ્ચે માત્ર 8 રનનો તફાવત હતો. આ સિઝનમાં અત્યાર સુધીની છેલ્લી 4 મેચમાં ગિલના બેટમાં 3 સદી જોવા મળી છે.
મુંબઈ સામેની મેચમાં ત્રીજી શાનદાર સદી
બીજી ક્વોલિફાયર મેચમાં શુભમન ગિલના બેટથી 129 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સાથે તેણે આ સિઝનમાં 16 ઇનિંગ્સમાં 60.79ની એવરેજથી 851 રન બનાવ્યા છે. ગિલ હવે પ્લેઓફ મેચોમાં સદી ફટકારનાર 7મો ખેલાડી બની ગયો છે. આ પહેલા મુરલી વિજય, વિરેન્દ્ર સેહવાગ, રિદ્ધિમાન સાહા, શેન વોટસન, જોસ બટલર અને રજત પાટીદાર આ કારનામું કરી ચૂક્યા છે.