GT vs PBKS, IPL 2026 Highlights:  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 46મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) રવિવાર (3 મે) ના રોજ પંજાબ કિંગ્સ (PBKS)  ટકરાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 11 રનની જરૂર હતી. અરશદ ખાન અને વોશિંગ્ટન સુંદરે આ લક્ષ્યાંક હાંસલ કર્યો. સુંદરે માર્કસ સ્ટોઇનિસની બોલ પર છગ્ગો ફટકારીને વિજય મેળવ્યો હતો. સુંદરે 23 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 40 રનનું યોગદાન આપ્યું હતું. 

પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આ સીઝનમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ કિંગ્સે 9 માંથી 6 મેચ જીતી છે અને 13 પોઈન્ટ મેળવ્યા છે. બીજી બાજુ, ગુજરાત ટાઇટન્સે 10 માંથી 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ મેળવ્યા છે.

સાઈ સુદર્શને ફિફ્ટી ફટકારી

ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન શુભમન ગિલને અર્શદીપ સિંહે માત્ર 5 રનમાં આઉટ કર્યો. ત્યારબાદ સાઈ સુદર્શન અને જોસ બટલરે બીજી વિકેટ માટે 53 રનની પાર્ટનરશીપ કરી હતી. વિજયકુમાર વૈશાકે બટલર (26 રન) ને આઉટ કરીને પાર્ટનરશીપ તોડી હતી. નિશાંત સિંધુ ફક્ત 15 રન કરીને માર્કસ સ્ટોઇનિસનો શિકાર બન્યો હતો. સાઈ સુદર્શને સારી ઇનિંગ્સ રમી પરંતુ એક મહત્વપૂર્ણ ક્ષણે આઉટ થયો. સુદર્શને 41 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. રાહુલ તેવતિયાનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું અને તેને માર્કો જોનસને માત્ર 2 રનમાં આઉટ કર્યો. ત્યારબાદ જેસન હોલ્ડર માત્ર 5 રન કરીને આઉટ થયો હતો જેનાથી મેચ રોમાંચક બની ગઈ હતી.

પંજાબ કિંગ્સનું બેટિંગ પ્રદર્શન

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 9 વિકેટે 163 રન બનાવ્યા. પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી. તેમણે પહેલી જ ઓવરમાં પ્રિયાંશ આર્ય (2 રન) અને કૂપર કોનોલી (0 રન)ની વિકેટ ગુમાવી હતી. બંને બેટ્સમેનને મોહમ્મદ સિરાજે આઉટ કર્યા હતા. ત્યારબાદ પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શ્રેયસ ઐયરે 33 રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. પ્રભસિમરન 15 રનમાં કગીસો રબાડાનો શિકાર બન્યો, જેનાથી ભાગીદારી તૂટી ગઈ.

ત્યારબાદ જેસન હોલ્ડરે નેહલ વઢેરા (0 રન) અને શ્રેયસ ઐય્યર (19 રન) ને આઉટ કરીને પંજાબ કિંગ્સની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. શ્રેયસના આઉટ થયા પછી સૂર્યાંશ શેડગે અને માર્કસ સ્ટોઇનિસે છઠ્ઠી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. શેડગે 29 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 57 રનનું યોગદાન આપ્યું. શેડગેની વિકેટ  રબાડાએ લીધી હતી.ત્યારબાદ જેસન હોલ્ડરે માર્કસ સ્ટોઇનિસ અને ઝેવિયર બાર્ટલેટ (0 રન) ને આઉટ કરીને પંજાબ કિંગ્સને ફરીથી બેકફૂટ પર લાવી દીધું.