hardik pandya rr trade: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝન પૂરી થયાને હજુ માંડ એક મહિનો પણ નથી થયો, ત્યાં આગામી 2027 ની સિઝન માટે ટીમો વચ્ચે ટ્રેડિંગ (ખેલાડીઓની અદલાબદલી) અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. થોડા દિવસો પહેલા જ એવા અહેવાલો આવ્યા હતા કે દિલ્હી કેપિટલ્સ (DC) તેમના જૂના કેપ્ટન ઋષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસેથી પાછો લાવવા માટે ટ્રેડિંગ કરી રહી છે. પંત ગયા વર્ષે ₹27 કરોડની રેકોર્ડ કિંમતે LSG માં ગયો હતો. હવે આ બધા વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે, મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝી સાથે છેડો ફાડી શકે છે. હાલમાં મુંબઈ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે આ મુદ્દે પ્રારંભિક ચર્ચાઓ ચાલી રહી છે.
હાર્દિક પંડ્યાની IPL સફર અને કેપ્ટન્સી
હાર્દિક પંડ્યાએ પોતાની IPL કરિયરની શરૂઆત 2015 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ કરી હતી અને તે 2021 સુધી આ જ ટીમનો હિસ્સો રહ્યો હતો. ત્યારબાદ 2022 માં તે નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) નો કેપ્ટન બન્યો. તેણે પહેલા જ વર્ષે (2022 માં) પોતાની કેપ્ટન્સી હેઠળ ટીમને ચેમ્પિયન બનાવી અને 2023 માં પણ ટીમને ફાઇનલ સુધી પહોંચાડી. આ શાનદાર દેખાવ બાદ, 2024 માં મુંબઈ ઈન્ડિયન્સે તેને પાછો ખરીદીને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. પરંતુ તેની કેપ્ટન્સી મુંબઈને ફળી નહીં. 2024 માં મુંબઈ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે રહ્યું, 2025 માં માંડ પ્લેઓફ સુધી પહોંચ્યું અને તાજેતરમાં 2026 ની સિઝનમાં ટીમ 9મા ક્રમે ફેંકાઈ ગઈ.
MI ની નજર યશસ્વી જયસ્વાલ પર
મળતા અહેવાલો મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ ટ્રેડિંગ દ્વારા યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે અને તેના બદલામાં તેઓ હાર્દિક પંડ્યાને રાજસ્થાન જવા દેવા તૈયાર છે. જોકે આ ચર્ચા હજુ પ્રાથમિક તબક્કામાં જ છે. નોંધનીય છે કે, મુંબઈને છેલ્લી સિઝનમાં રોહિત શર્મા સાથે સારી ઓપનિંગ જોડી બનાવવામાં મુશ્કેલી પડી હતી. જો યશસ્વી ટીમમાં આવે છે, તો રોહિત સાથે તે એક પરફેક્ટ ઓપનિંગ જોડી બની શકે છે, કારણ કે આ બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સાથે સારું પ્રદર્શન કરી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ 11 બોલમાં રન કર્યા વિના ફિફ્ટી; 29 બોલમાં 94 રન, વૈભવ સૂર્યવંશીએ એક જ ઇનિંગમાં તોડી નાખ્યા 5 મોટા રેકોર્ડ
સૂર્યકુમાર બહાર થશે અને આ ખેલાડી બની શકે છે નવો કેપ્ટન!
હાર્દિક એકમાત્ર એવો મોટો ખેલાડી નથી જેની આસપાસ ચર્ચા ચાલી રહી હોય. સૂર્યકુમાર યાદવ માટે પણ માઠા સમાચાર છે. તાજેતરમાં જ BCCI એ ખરાબ ફોર્મને કારણે સૂર્યકુમારને ભારતીય T20 ટીમના કેપ્ટન પદેથી હટાવી દીધો છે અને આગામી T20 સિરીઝ માટે તેને ટીમમાં પણ સ્થાન આપ્યું નથી. છેલ્લી IPL સિઝનમાં પણ તેણે 13 ઇનિંગ્સમાં માત્ર 270 રન જ બનાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કદાચ IPL 2027 માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ જોવા ન મળે.
જો હાર્દિક અને સૂર્યકુમાર ટીમમાં નહીં હોય તો નવો કેપ્ટન કોણ બનશે? અહેવાલો દર્શાવે છે કે મુંબઈ ઈન્ડિયન્સ યુવા ખેલાડી તિલક વર્માને પોતાનો નવો કેપ્ટન બનાવી શકે છે. તિલક વર્માએ તાજેતરમાં જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને BCCI એ તેને T20 ટીમનો વાઇસ-કેપ્ટન (ઉપ-કેપ્ટન) પણ નિયુક્ત કર્યો છે. આગામી અઠવાડિયે મુંબઈ ઈન્ડિયન્સની સમીક્ષા બેઠક યોજાવાની છે, જેમાં આ તમામ મોટા નિર્ણયો લેવાઈ શકે છે.
આ પણ વાંચોઃ IND vs ENG: સદી ફટકાર્યાના 24 કલાકમાં જ આ સ્ટાર ખેલાડી ટીમ ઇન્ડિયામાંથી બહાર, ફેન્સ ગુસ્સે
