T20 WC 2022, Semifinals Scenario: ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમને ગઈકાલે રાત્રે દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું હતું. જો કે, ભારતીય ટીમ આ હારથી વધુ પરેશાન નથી કારણ કે તે તેની આગામી બે મેચ જીતીને સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ જો અહીં એક પણ અપસેટ સર્જાય અથવા વરસાદ વિલન બને તો ટીમ ઇન્ડિયા માટે સેમીફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની શકે છે.






ટીમ ઈન્ડિયાએ સુપર-12 રાઉન્ડની છેલ્લી બે મેચ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે રમવાની છે. જો અહીં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારે છે તો ટીમ ઈન્ડિયાના મહત્તમ 6 પોઈન્ટ થઈ જશે. અહીં બાંગ્લાદેશની ટીમના પણ 6 પોઈન્ટ હશે. જો તે પાકિસ્તાનને પણ હરાવે છે તો તે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાથી આગળ રહીને સેમીફાઈનલમાં પહોંચી શકે છે. જો બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન સામે હારે અને પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાને હરાવે તો પણ પાકિસ્તાનની ટીમ પાસે 6 પોઈન્ટ અને સારા રન રેટના આધારે ભારતથી આગળ રહેવાની તક રહેશે. એટલે કે જો ભારતીય ટીમ તેની આગામી મેચ બાંગ્લાદેશ સામે હારી જાય છે તો પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાંથી કોઈ એકની સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી શકે છે.


જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે જીતે છે પરંતુ ઝિમ્બાબ્વે સામે હારી જાય છે તો આ સ્થિતિમાં ઝિમ્બાબ્વેની ટીમને દક્ષિણ આફ્રિકા સાથે સેમીફાઇનલમાં પહોંચવાની તકો હશે. જો કે આ માટે ઝિમ્બાબ્વેને આ પહેલા નેધરલેન્ડને હરાવવું પડશે. નેધરલેન્ડને હરાવવી ઝિમ્બાબ્વે માટે મુશ્કેલ કામ નહીં હોય. આ સ્થિતિમાં ભારતના માત્ર 6 પોઈન્ટ બચશે અને ઝિમ્બાબ્વે 7 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે.






આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમની આગામી બે મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો તેના માત્ર 6 પોઈન્ટ જ રહેશે. આવી સ્થિતિમાં પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે ઝિમ્બાબ્વેની કોઈપણ ટીમ સાઉથ આફ્રિકા સાથે સેમીફાઈનલમાં પહોંચી શકે છે.