સીઆઈડીએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના પ્રમુખ એ. જગન મોહન રાવ અને અન્ય ચાર લોકોની નાણાંની ઉચાપત અને ગેરવહીવટના આરોપસર ધરપકડ કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં HCA સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં HCA ના ખજાનચી સી. શ્રીનિવાસ રાવ, CEO સુનીલ કાંતે અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "નાણાંની ઉચાપત, ગેરવહીવટ અને અન્ય આરોપોમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે."

સનરાઇઝર્સ હૈદરાબાદના આરોપો પર HCA ની સ્પષ્ટતા

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 2025 ની IPL સીઝન દરમિયાન HCA સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. ફ્રેન્ચાઇઝે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે HCA તેમને "ધમકી" આપીને વધુ મફત ટિકિટોની માંગ કરી રહી હતી.

ફ્રેન્ચાઇઝીએ ચેતવણી પણ આપી હતી કે જો આ વલણ ચાલુ રહેશે તો તે તેના ઘરેલું મેચોને બીજા રાજ્યમાં ખસેડી શકે છે. જો કે, HCAના પ્રમુખ જગન મોહન રાવે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ફ્રેન્ચાઇઝ તરફથી આવી કોઈ માંગણી કરવામાં આવી નથી. HCA એ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.                       

CM રેવંત રેડ્ડીએ તપાસનો આદેશ આપ્યો હતો

તેલંગણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદની ફરિયાદ પર તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે ક્રિકેટ વહીવટી સંસ્થાઓને આ મામલાને ગંભીરતાથી લેવા અને HCA ની કથિત "બ્લેકમેઇલિંગ વ્યૂહરચના" બંધ કરવાની માંગ કરી હતી.                                                         

CIDની આ કાર્યવાહીને તે તપાસનું પરિણામ માનવામાં આવે છે. પોલીસ હવે હેરાફેરી અને ગેરવહીવટના તમામ પાસાઓ શોધવા માટે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.