ICC Womens Future Tours Programme: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2025 2029 સુધીનો એક શેડ્યૂલ જાહેર કર્યો છે, જેને ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) નામ આપવામાં આવ્યું છે. આ પહેલ ICC મહિલા ચેમ્પિયનશિપ સાયકલનો ભાગ હશે, જેમાં આગામી 4 વર્ષમાં મહિલા ક્રિકેટર્સ વચ્ચે 44 વનડે સિરીઝ રમાશે. પરંતુ આ પહેલની સૌથી રસપ્રદ વાત એ છે કે 2025-2029 સુધી દર વર્ષે મહિલા ક્રિકેટર્સ માટે એક ICC ટૂર્નામેન્ટ યોજાશે.
આ પ્રોગ્રામ 2029 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સેટ કરવામાં આવ્યો છે, જેમાં 11 ટીમો ભાગ લેશે. ઝિમ્બાબ્વે આ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે, જે મહિલા ક્રિકેટના વૈશ્વિક સ્તરે વિકાસમાં યોગદાન આપશે. આગામી ચાર વર્ષમાં દરેક ટીમ પોતાના ઘરઆંગણે ચાર અને વિદેશી મેદાન પર પણ ચાર વનડે સિરીઝ રમશે. આ રીતે કુલ 44 સિરીઝ રમાશે, દરેક સિરીઝમાં 3 મેચ હશે. એટલે કે બધી ટીમો વચ્ચે કુલ 132 મુકાબલા થશે.
દર વર્ષે થશે ICC ટૂર્નામેન્ટ
FTP એ પણ સુનિશ્ચિત કરશે કે આગામી ચાર વર્ષમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુમાં વધુ મેચ રમાય. જણાવી દઈએ કે આ પ્રોગ્રામ 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પછી શરૂ થશે. 2025 2029 સુધી મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 400થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
2025માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ થશે જેની યજમાની ભારત કરવાનું છે. 2026માં મહિલા T20 વર્લ્ડ કપ રમાશે. અત્યાર સુધી માત્ર પુરુષ ક્રિકેટમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થતું આવ્યું હતું, પરંતુ 2027માં પહેલી વાર મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે પણ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની રેસ લાગશે. જ્યારે 2028માં ફરીથી T20 વર્લ્ડ કપ રમાશે, જેને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા 6 વાર જીતી ચૂક્યું છે. આ મહિલા ચેમ્પિયનશિપ સાયકલ વર્ષ 2029માં સમાપ્ત થશે, જ્યાં મહિલા વનડે વર્લ્ડ કપની 14મી આવૃત્તિ રમાશે.
ICC મહિલા ચેમ્પિયનશિપ રેન્કિંગ મહિલા વર્લ્ડ કપ માટેની ટીમો નક્કી કરે છે. ટૂર્નામેન્ટમાં તેમના પ્રથમ દેખાવમાં, ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને શ્રીલંકાની યજમાની કરશે અને ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મુલાકાત લેશે.
વસીમ ખાને કહ્યું, “ઝિમ્બાબ્વે પ્રથમ વખત ટૂર્નામેન્ટ (ICC મહિલા ચેમ્પિયનશિપ)માં રમશે. "મહિલા ક્રિકેટમાં વધુ વૈશ્વિક પ્રતિનિધિત્વ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે."
મે 2025 થી એપ્રિલ 2029 સુધી ચાલનારા આ FTPમાં 400 થી વધુ મેચો રમાશે. તેમાં 44 વનડે શ્રેણીમાં 132 મેચોનો ઉલ્લેખ છે.
આ પણ વાંચોઃ