ICC rejects BCB request: ક્રિકેટના મહાકુંભ સમાન T20 World Cup 2026 ની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેદાન બહાર એક અલગ જ ડ્રામા ચાલી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરક્ષાના કારણો આગળ ધરીને પોતાની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની બાંગ્લાદેશની વિનંતીને આઈસીસીએ કડક શબ્દોમાં ફગાવી દીધી છે. આઈસીસીના આ વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે બાંગ્લાદેશની મનમાની નહીં ચાલે.
સુરક્ષા રિપોર્ટમાં ભારતને 'ક્લીન ચીટ'
આઈપીએલ (IPL) માંથી બાંગ્લાદેશી સ્ટાર મુસ્તફિઝુર રહેમાનને પડતો મૂકાયા બાદ BCB એ સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, આઈસીસીએ પોતાના તપાસ અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં સુરક્ષાને લઈને કોઈ ગંભીર ખતરો નથી. રિપોર્ટમાં થ્રેટ લેવલને "ઓછાથી મધ્યમ" (Low to Medium) ગણાવ્યું છે, જે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે સામાન્ય બાબત છે. આમ, આઈસીસીએ બાંગ્લાદેશના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.
વીડિયો કોન્ફરન્સમાં શું થયું?
મંગળવારે આઈસીસી અને બીસીબીના અધિકારીઓ વચ્ચે હાઈ-વોલ્ટેજ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાંગ્લાદેશ તરફથી પ્રમુખ મોહમ્મદ અમીનુલ ઇસ્લામ અને સીઈઓ નિઝામુદ્દીન ચૌધરીએ પોતાની વાત મક્કમતાથી રજૂ કરી હતી. તેમણે ફરીવાર "સુરક્ષા ચિંતાઓ" (Security Concerns) નું રટણ કર્યું હતું અને ગ્રુપ સ્ટેજની મેચો શ્રીલંકા શિફ્ટ કરવા દબાણ કર્યું હતું. સામે પક્ષે, આઈસીસીએ સ્પષ્ટ કર્યું કે સમયપત્રક (Schedule) જાહેર થઈ ચૂક્યું છે અને હવે તેમાં ફેરફાર શક્ય નથી.
બાંગ્લાદેશ પાસે હવે કયા બે વિકલ્પો?
ટૂર્નામેન્ટ 7 February થી શરૂ થઈ રહી છે. હોટેલ બુકિંગ, વિઝા અને લોજિસ્ટિક્સની તૈયારીઓ થઈ ચૂકી છે. આ સંજોગોમાં આઈસીસી હવે ઝૂકવાના મૂડમાં નથી. હવે બાંગ્લાદેશ પાસે માત્ર બે જ રસ્તા છે:
ચૂપચાપ રમો: શેડ્યૂલ મુજબ ભારતમાં આવીને ટૂર્નામેન્ટ રમો.
ટૂર્નામેન્ટ છોડો: જો સુરક્ષાનો ડર હોય તો ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લો.
સ્કોટલેન્ડને લાગી શકે છે લોટરી
ક્રિકેટ વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો બાંગ્લાદેશ પોતાની જીદ પર અડગ રહીને ટૂર્નામેન્ટમાંથી ખસી જાય છે (Boycott), તો આઈસીસી તેમની જગ્યાએ અન્ય ટીમને તક આપી શકે છે. આ સંજોગોમાં સ્કોટલેન્ડ (Scotland) ની ટીમ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે, આટલા ટૂંકા ગાળામાં રિપ્લેસમેન્ટ શોધવું આઈસીસી માટે પણ માથાનો દુખાવો બની શકે છે. હાલ તો બાંગ્લાદેશના અંતિમ નિર્ણય પર સૌની નજર છે.