ICC T20 rankings 2026: વર્તમાન સમયમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક મેચો વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે દુનિયાભરના બેટ્સમેનોનું લેટેસ્ટ સાપ્તાહિક રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ નવા અપડેટમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ 10 બેટ્સમેનોના લિસ્ટમાં સૌથી વધુ 4 ભારતીય સ્ટાર ખેલાડીઓએ પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે, જે દર્શાવે છે કે ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું સંપૂર્ણ પ્રભુત્વ છવાયેલું છે. આ યાદીમાં અભિષેક શર્મા પ્રથમ ક્રમે યથાવત છે, જ્યારે ફોર્મમાં પરત ફરેલા ઈશાન કિશને લાંબી છલાંગ લગાવીને ટોપ 10 માં એન્ટ્રી કરી છે. ચાલો જાણીએ કયો ભારતીય ખેલાડી કયા સ્થાને છે.

અભિષેક શર્મા (નંબર 1)

ભારતીય યુવા ઓપનર અભિષેક શર્મા વિશ્વના નંબર 1T20 બેટ્સમેન તરીકેનો તાજ પોતાના માથે જાળવી રાખવામાં સફળ રહ્યો છે. આઈસીસી રેન્કિંગમાં તે 891 ના સર્વોચ્ચ રેટિંગ પોઈન્ટ સાથે ટોચના સ્થાને બિરાજમાન છે. રસપ્રદ વાત એ છે કે, વર્તમાન T20 વર્લ્ડ કપની શરુઆતની મેચોમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. યુએસએ (USA) સામેની મેચમાં તે ગોલ્ડન ડક (શૂન્ય) પર આઉટ થયો હતો, જ્યારે નામિબિયા સામેની મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન સામેની હાઈ વોલ્ટેજ મેચમાં પરત ફર્યા છતાં તે ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો, આમ છતાં તેના અગાઉના જંગી પોઈન્ટ્સના આધારે તેનું પ્રથમ સ્થાન અકબંધ રહ્યું છે.

તિલક વર્મા (નંબર 4)

ભારતીય મિડલ ઓર્ડરની કરોડરજ્જુ સમાન તિલક વર્મા લેટેસ્ટ ICC T20 બેટિંગ રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. નવા અપડેટમાં તેને એક સ્થાનનો ફાયદો મળ્યો છે; અગાઉ તે પાંચમા ક્રમે હતો. તિલક પાસે હાલમાં 751 રેટિંગ પોઈન્ટ છે. તેણે આ વર્લ્ડ કપની પોતાની પ્રથમ ત્રણ મેચોમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતા પ્રત્યેક મેચમાં 25 રન બનાવીને કુલ 75 રનનું યોગદાન આપ્યું છે, જેણે તેને રેન્કિંગમાં ઉપર લાવવામાં મદદ કરી છે.

સૂર્યકુમાર યાદવ (નંબર 6)

મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા અને ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ટોપ 10 ની યાદીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સૂર્યા 747 રેટિંગ પોઈન્ટ સાથે આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. વર્લ્ડ કપમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો, તેણે યુએસએ સામે અણનમ 84 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. ત્યારબાદ નામિબિયા સામે 12 રન અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 32 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઈશાન કિશન (નંબર 8)

તાજેતરના રેન્કિંગમાં જો કોઈ ભારતીય ખેલાડીને સૌથી મોટો ફાયદો થયો હોય, તો તે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છે. તેણે રેન્કિંગમાં સીધો 17 સ્થાનનો અધધ ઉછાળો મારીને ટોપ 10 માં પ્રવેશ કર્યો છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પહેલા ઈશાન ટોપ 50 માં પણ સામેલ નહોતો, પરંતુ હવે તે 732 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા (8) ક્રમે પહોંચી ગયો છે.

આ જબરદસ્ત ઉછાળા પાછળ વર્લ્ડ કપમાં તેની વિસ્ફોટક બેટિંગ જવાબદાર છે. ઈશાને પાકિસ્તાન સામે માત્ર 40 બોલમાં 77 રનની તોફાની ઇનિંગ રમીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત, દિલ્હીમાં રમાયેલી નામિબિયા સામેની મેચમાં પણ તેણે શાનદાર અડધી સદી ફટકારતા 61 રન બનાવ્યા હતા. જોકે, યુએસએ સામે તે માત્ર 20 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેની બેક ટુ બેક અડધી સદીઓએ તેને રેન્કિંગમાં નવી ઊંચાઈ બક્ષી છે.