IND vs ZIM: આજે ટી20 વર્લ્ડ કપની સુપર 12 મેચોમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલા મુકાબલામાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવીને સેમી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ભારતે 20 ઓવરના અંતે આપેલા 187 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની ટીમ 115 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત માટે અશ્વિને 3, શમીએ 2, હાર્દિક પંડ્યા 2, અર્શદીપ, ભુવનેશ્વર અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.
ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ 35 રન રિયાન બર્લે બનાવ્યા હતા. આ સાથે સિકંદર રઝાએ પણ 34 રનનું યોગદાન આપ્યું હતું.
સેમી ફાઈનલમાં પહોંચ્યું ભારત
ટી20 વર્લ્ડ કપની સુપર 12 મેચોમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારે હવે ભારતીય ટીમ સેમી ફાઈનલમાં 10 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. જો પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, હાલ ભારત નંબર 1 પર છે જ્યારે પાકિસ્તાન નંબર 2 પર છે. હવે સેમી ફાઈનલમાં પાકિસ્તાનની ટક્કર ન્યૂઝિલેન્ડ સામે 9 નવેમ્બરના રોજ થશે.
આજની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 51 રનનું યોગદાન આપ્યું હતું.
રોહિત ફરી નિષ્ફળ
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 13 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ 25 બોલમાં 26 રન બનાવ્યા હતો. દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવાયેલો રિષભ પંત પણ નિષ્ફળ રહ્યો હતો. તે 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 87 રન પર 1 વિકેટથી 101 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવ (25 બોલમાં અણનમ 61 રન) અને હાર્દિક પંડ્યા(18 રન)એ બાજી સંભાળી હતી.
આ પણ વાંચો....