Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યૂની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, કારણ કે આ 15 વર્ષીય ખેલાડીને આયર્લેન્ડ પ્રવાસ માટે સંભવિત ખેલાડી તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ચાહકો તેની રમવાની શૈલીનો આનંદ માણી રહ્યા છે અને તેને નેશનલ ટીમમાં સામેલ કરવાની માંગ પણ થઈ રહી છે. IPLમાં પણ આપણે જોયું કે તેણે જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર આત્મવિશ્વાસ સાથે સિક્સર ફટકારી અને એ જ ઓવરમાં બીજી સિક્સર પણ ફટકારી હતી. તેણે ટ્રેન્ટ બોલ્ટ અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ બોલરો સામે પણ એ જ ગતિએ રન બનાવ્યા જેના માટે તે જાણીતો છે. જોકે, તેને નેશનલ ટીમમાં સામેલ કરવાના સમાચારથી એક નવી ચર્ચા છેડાઈ છે. જો વૈભવને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવે તો બહાર કોણ થશે? કેપ્ટન સૂર્યકુમાર યાદવની પોઝિશન પર પણ સવાલો ઉઠી રહ્યા છે, જે હાલમાં પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.
ભારતીય ટીમ જૂન મહિનામાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે, જે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા યોજાશે. અહીં ભારત અને આયર્લેન્ડ વચ્ચે 2 T20 મેચ રમાશે. અહેવાલ મુજબ તેને આ પ્રવાસ માટે સંભવિત ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યો છે. જોકે, હજુ એ નક્કી નથી કે તે આયર્લેન્ડ સામે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરશે, કે પછી ઝિમ્બાબ્વે પ્રવાસ અથવા વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સીરીઝમાં, કે પછી જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં?
BCCIના એક સૂત્રએ PTIને જણાવ્યું કે, "BCCIના લોજિસ્ટિક્સ વિભાગે પસંદગીકારો પાસે ઓછામાં ઓછા 35 ખેલાડીઓના નામ માંગ્યા હતા, જેમના આયર્લેન્ડના વિઝાની પ્રક્રિયા પૂરી કરવાની હતી." અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આયર્લેન્ડ પ્રવાસ માટે 15ના બદલે 16 કે 17 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી શકે છે. પણ મોટો સવાલ એ જ છે કે જો વૈભવ પ્લેઈંગ 11માં સામેલ થાય તો કોનું પત્તું કપાશે?
કોણ થશે બહાર?
ભારતીય T20 ટીમમાં ઓપનિંગ માટે 3 વિકલ્પો હાજર છે: અભિષેક શર્મા, સંજૂ સેમસન અને ઈશાન કિશન. આ ત્રણેયએ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લીધો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સંજૂ ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ પ્લેયર પસંદ થયો હતો, અભિષેક T20નો નંબર-1 બેટ્સમેન છે અને ઈશાને પણ વિસ્ફોટક અંદાજથી પ્રભાવિત કર્યા છે. યશસ્વી જાયસ્વાલ પણ એક વિકલ્પ છે, પરંતુ તેને T20માં વધુ તક મળી નથી.
રિપોર્ટમાં સૂત્રએ જણાવ્યું હતું કે, "પસંદગી સમિતિ માને છે કે વૈભવ તૈયાર છે, પરંતુ તમારે સંજૂ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ વિશે પણ વિચારવું પડશે. આ તમામે T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ફિફ્ટી ફટકારી હતી. જો તમે ચોથા ઓપનરને ટીમમાં સામેલ કરો છો, તો યશસ્વી જાયસ્વાલ પણ એક વિકલ્પ તરીકે હાજર છે."
સૂર્યકુમાર યાદવની પોઝિશન પર ઉઠશે સવાલ
સૂત્રએ એક બીજો પ્રશ્ન ઊભો કર્યો છે કે જો વૈભવ સૂર્યવંશી માટે સંજૂ સેમસન કે અભિષેક શર્મામાંથી કોઈ એકને બહાર કરવામાં આવે, તો સૂર્યકુમાર યાદવની પોઝિશન પર પણ સવાલ ઉઠશે, જે બેટથી ખાસ સારું પ્રદર્શન કરી શક્યો નથી.
સૂત્રએ કહ્યું, "વૈભવ સૂર્યવંશી તૈયાર છે, પરંતુ સંજૂ કે અભિષેકને બહાર કરવા માટે કોઈ નક્કર કારણ આપવું પડશે. કારણ કે જો તેમાંથી કોઈ એકને બહાર કરવામાં આવે તો સવાલ ઉઠશે કે સૂર્યકુમાર પોતાની જગ્યા કેવી રીતે ટકાવી રહ્યો છે."
એશિયન ગેમ્સમાં થશે વૈભવનું ડેબ્યૂ?
સૂત્રએ સંકેત આપ્યો કે વૈભવ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી શકે છે. તેમણે જણાવ્યું કે, "આયર્લેન્ડ કે ઝિમ્બાબ્વે પ્રવાસ પર વૈભવ ડેબ્યૂ કરી શકે છે, પરંતુ સાચું મંચ એશિયન ગેમ્સ કે વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સીરીઝ હોઈ શકે છે. કારણ કે બંને એક જ સમયે છે, તેથી ટીમ ઈન્ડિયાએ 2 ટીમ બનાવવી પડશે. જો આ પહેલા તેમને ડેબ્યૂની તક નહીં મળે તો અહીં ચોક્કસ ડેબ્યૂ કરી શકે છે."