Asia Cup 2022: UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022માં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને ટીમ એશિયા કપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ મેચ તેમના માટે ટૂર્નામેન્ટની છેલ્લી મેચ હશે. બંને ટીમો અહીં જીત સાથે પોતાની સફરનો અંત લાવવા ઈચ્છશે.


સુપર-4 રાઉન્ડમાં ભારત અને અફઘાનિસ્તાન પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારી ગયા છે. આ રાઉન્ડની ચારેય મેચો ખૂબ જ રસપ્રદ રહી હતી. ખાસ કરીને બુધવારે રમાયેલી અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મેચ ખૂબ જ રોમાંચક રહી છે. આ જ મેચમાં પાકિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાન અને ભારતીય ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. હવે બંને ટીમો પોતાની લાજ બચાવવા મેદાનમાં ઉતરશે.


અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. હાલમાં ટીમ ઈન્ડિયા પણ સારા ફોર્મમાં છે, જોકે છેલ્લી બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની ઘણી ખામીઓ સામે આવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવાનો પ્રયાસ કરશે.  નોંધનીય છે કે સતત બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11 અને ગેમ પ્લાનિંગ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.


બીજી તરફ અફઘાનિસ્તાન પણ શાનદાર લયમાં છે. બુધવારે રાત્રે મેચમાં માત્ર 129 રન બનાવ્યા હોવા છતાં પાકિસ્તાનને જીત મેળવવામાં પરસેવો પાડવો પડ્યો હતો. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક જેવા બોલર છે. આ ટીમમાં હઝરતુલ્લા ઝઝઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ જેવા મજબૂત ટી-20 બેટ્સમેન પણ છે.


ભારત અને અફઘાનિસ્તાનની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. અહીં ટોસ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. છેલ્લી 20 મેચોમાં 18 મેચમાં બાદમાં બેટિંગ કરીને ટીમ જીતી છે. છેલ્લી ત્રણ મેચોમાં અહીં 170+ સ્કોરનો પીછો કરવામાં આવ્યો છે. હવામાનની વાત કરીએ તો દુબઈમાં આ સમયે ખૂબ જ ગરમી છે. અહીં મેચ દરમિયાન પણ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેશે.


ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર.