IND vs AFG Squad: BCCI દ્વારા આગામી અફઘાનિસ્તાન પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 4 નવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ નવા ખેલાડીઓના આગમનથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ યુવા ખેલાડીઓ માટે આ એક સુવર્ણ તક છે, તો બીજી તરફ તેમના સારા પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાના કેટલાક દિગ્ગજ અને સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે. ચાલો જાણીએ કે પ્રિન્સ યાદવ, હર્ષ દુબે, માનવ સુથાર અને ગુરનુર બ્રારની એન્ટ્રીથી કયા સિનિયર ખેલાડીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે અને આખી સિરીઝનું ગણિત શું છે.
સિરીઝનું શિડ્યુલ અને નવા ખેલાડીઓની પસંદગી
અફઘાનિસ્તાનની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે, જ્યાં 6 થી 10 જૂન દરમિયાન નવા ચંદીગઢમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ 14 જૂનથી 3 મેચની વનડે સિરીઝ શરૂ થશે. આ સિરીઝ માટે પસંદગીકારોએ 4 નવા ચહેરાઓ પર ભરોસો મૂક્યો છે:
હર્ષ દુબે અને ગુરનુર બ્રાર: બંનેને ટેસ્ટ અને વનડે એમ બંને ટીમમાં સ્થાન મળ્યું છે.
પ્રિન્સ યાદવ: માત્ર વનડે સિરીઝ માટે પસંદગી.
માનવ સુથાર: માત્ર ટેસ્ટ ટીમમાં તક.
આ યુવા ખેલાડીઓનું પ્રદર્શન તેમનું ભવિષ્ય તો નક્કી કરશે જ, પણ સાથે જ કેટલાક સિનિયર ખેલાડીઓ માટે ટેન્શન પણ વધારશે.
જાડેજા અને અક્ષર પટેલનું પત્તું કપાશે?
ઓલરાઉન્ડર હર્ષ દુબે ડાબોડી સ્પિનર હોવાની સાથે સારી બેટિંગ પણ કરી જાણે છે. આ કારણે અક્ષર પટેલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જો હર્ષ આ તકનો ફાયદો ઉઠાવીને સારું પ્રદર્શન કરશે, તો અક્ષર પટેલ માટે ટીમમાં વાપસી કરવી લોઢાના ચણા ચાવવા સમાન બની જશે. બીજી બાજુ, 37 વર્ષીય રવિન્દ્ર જાડેજાને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. પરંતુ જો હર્ષ દુબે અને માનવ સુથાર આ તક ઝડપી લેશે, તો તેઓ ભવિષ્યમાં જાડેજાનું કાયમી સ્થાન લઈ શકે છે.
સિરાજ અને શમીના વનડે કરિયર પર બ્રેક?
આ સિરીઝ માટે જસપ્રીત બુમરાહને બંને ફોર્મેટમાંથી આરામ અપાયો છે. જ્યારે મોહમ્મદ સિરાજને ટેસ્ટ ટીમમાં તો રખાયો છે, પણ વનડેમાંથી પડતો મુકાયો છે. તેમની જગ્યાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર પંજાબના ફાસ્ટ બોલર ગુરનુર બ્રાર અને દિલ્હીના પ્રિન્સ યાદવને તક મળી છે. જો આ બંને યુવા બોલરો પાવરપ્લે અને ડેથ ઓવરમાં વિકેટો ઝડપીને પોતાનો કમાલ બતાવશે, તો સિરાજનું વનડેમાં પાછા ફરવું અઘરું થઈ જશે. જ્યારે મોહમ્મદ શમીને તો પહેલાથી જ લાંબા સમયથી નજરઅંદાજ કરાઈ રહ્યો છે, એટલે એમ કહી શકાય કે જો આ નવા બોલરો હિટ રહ્યા તો શમીનું આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ પૂરું થઈ જશે.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: ગુજરાત ટાઇટન્સના 11 ખેલાડીઓને મળી તક!
ભુવનેશ્વર કુમાર માટે હવે કોઈ આશા નથી!
IPL 2026 માં ભુવનેશ્વર કુમાર પાવરપ્લેમાં પોતાની બોલિંગનો જાદુ વિખેરી રહ્યો છે અને બેટ્સમેનોને રન બનાવતા રોકી રહ્યો છે. આમ છતાં, તેને અફઘાનિસ્તાન સામેની વનડે ટીમમાં સ્થાન નથી મળ્યું. તેની જગ્યાએ ગુરનુર બ્રાર અને પ્રિન્સ યાદવ જેવા યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ સ્પષ્ટ ઇશારો છે કે BCCI હવે ભુવનેશ્વર કુમારના નામ પર કોઈ વિચાર કરી રહી નથી.
ઋષભ પંતનું વનડે ભવિષ્ય પણ ધૂંધળું
વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ટેસ્ટ ટીમમાં તો સામેલ કરાયો છે, પણ તેની પાસેથી ઉપ-કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે તેને વનડે ટીમમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવાયો છે. ભલે પંતને પેલા 4 નવા ખેલાડીઓથી કોઈ સીધો ખતરો ન હોય, પણ વનડે ટીમમાંથી બહાર થવું એ દર્શાવે છે કે તે આગામી 2027 ના વનડે વર્લ્ડ કપ માટે BCCI ની યોજનાઓનો હિસ્સો નથી.
આ પણ વાંચોઃ જો રાજસ્થાન રોયલ્સ જીતે તો આ 4 ટીમોની બાજી બગડશે, જાણો પ્લેઓફનું આશ્ચર્યજનક સમીકરણ
