IND vs Aus 3rd Test in Indore: ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ ભારતીય સમય અનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે સવારે 9.00 વાગ્યે ટોસ થશે.


સ્ટેડિયમની ક્ષમતા 30,000 બેઠકોની છે. પરંતુ અત્યાર સુધી 16000 સીટો માટે ટિકિટ વેચાઈ હતી. મળતી માહિતી મુજબ આમાંથી 90 ટકા ટિકિટો વેચાઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, પેવેલિયન અને સ્ટેડિયમની સૌથી મોંઘી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ હતી.


સ્ટેડિયમના અધિકારીઓનું કહેવું છે કે હવે વેસ્ટ સ્ટેન્ડ લોઅરમાં 420 રૂપિયાની થોડી જ ટિકિટ બચી છે. નોંધનીય છે કે બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ભારતે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાંથી બેમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યાર સુધી સીરીઝમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ઈન્દોર પહોંચી ગઈ છે.


બંને ટીમ પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી


બંને ટીમ સોમવારે પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો સિરીઝ પર કબજો કરી લેશે. બીજી તરફ જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતવામાં સફળ રહે છે તો તે આ શ્રેણી જીવંત રહેશે. જોકે, ટીમ ઈન્ડિયામાં આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમા ફેરફાર થવાની આશા ઓછી છે.


ઓસ્ટ્રેલિયાના ભારતના છેલ્લા ચાર પ્રવાસ પર નજર કરીએ તો તેનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું. છેલ્લા 14 વર્ષમાં ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ પર 14 ટેસ્ટ મેચ રમી છે. જેમાં કાંગારૂ ટીમ માત્ર એક જ મેચ જીતી શકી હતી. વર્ષ 2016-17માં તેણે ભારત પ્રવાસ પર પૂણે ટેસ્ટ જીતી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને 333 રનથી હરાવ્યું હતું. 2008-9 થી 2016-17 સુધી ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ધરતી પર સતત ચાર ટેસ્ટ શ્રેણી હારી છે. વર્તમાન શ્રેણીમાં પણ ભારતે 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી છે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. જેઓ હોટ સ્ટાર સબસ્ક્રિપ્શન ધરાવે છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા તેમના મોબાઈલ ફોન પર મેચનો આનંદ લઈ શકે છે.