IND vs AUS Final Facts: ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચે ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર એક ભારતીય ખેલાડી બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમશે જ્યારે 10 ખેલાડી પહેલીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં રમશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના 7 ખેલાડીઓ એવા છે જે બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલ રમશે. એટલે કે વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમના 7 ખેલાડીઓ વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂક્યા છે.
ભારતના 10 ખેલાડીઓ પ્રથમ વખત ફાઇનલમાં રમશે
ભારતીય ટીમ છેલ્લે 2011માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. વિરાટ કોહલી તે ટીમનો ભાગ હતો. વિરાટ કોહલી ફરી એકવાર વર્લ્ડ કપની ફાઈનલ રમશે એટલે કે તે બીજી વખત ટાઈટલ મેચનો ભાગ બનશે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા સહિત 10 ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડ કપ ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમશે.
આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વર્લ્ડ કપ 2015ની ફાઈનલનો ભાગ હતા
આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપ 2015માં ચેમ્પિયન બની હતી. ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ તે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા. આ રીતે 7 કાંગારૂ ખેલાડીઓ બીજી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે. નોંધનીય છે કે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારત અત્યાર સુધીમાં બે વખત વન-ડે વર્લ્ડ કપ જીતી ચુક્યું છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 5 વખત વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરી છે.