IND vs AUS Match: વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઇ લીધો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવરોના ફોર્મેટ ICC ટૂર્નામેન્ટની ટાઇટલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દુબઈમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા રમતા 264 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 11 બોલ બાકી રહેતા 4 વિકેટે મેળવી લીધો હતો. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો હતો, જે મધ્ય ઓવરોમાં ટકી રહ્યો અને 84 રનની ઇનિંગ રમી.
દુબઈમાં ભારતે ઈતિહાસ રચ્યો
ભારતીય ટીમે દુબઈમાં વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, આ નિર્ણય ઘણો સારો હતો. ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં દુબઈના મેદાન પર 250 રનના આંકને સ્પર્શનારી પ્રથમ ટીમ બની છે. આમ છતાં તે 265 રનના લક્ષ્યને બચાવવામાં નિષ્ફળ રહ્યા. ભારત હવે દુબઈના મેદાન પર 250થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર વિશ્વનો માત્ર ચોથો દેશ બની ગયો છે.
મેચ 4 વિકેટે જીતી લીધી
ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ જીતના હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને વિરાટ કોહલી હતા. આ જીત સાથે રોહિત બ્રિગેડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. બીજી સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની છે. ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમાશે.
ભારત સતત ત્રીજી ફાઈનલ રમશે
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક લગાવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2017માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે તેને પાકિસ્તાનના હાથે 180 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમશે.