Team India Playing 11: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. 19 ઓક્ટોબર (ગુરુવાર)ના રોજ બપોરે 2 વાગ્યે આ બંને ટીમો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટકરાશે. ભારતીય ટીમે અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં પોતાની ત્રણેય મેચો એકતરફી રીતે જીતી છે. આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા તેના બે ઝડપી બોલર (બુમરાહ અને સિરાજ)માંથી કોઈ એકને આરામ આપી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શાર્દુલ ઠાકુરને પડતો મૂકવામાં આવી શકે છે. એટલે કે મોહમ્મદ શમીને પ્લેઇંગ-11માં તક મળી શકે છે. જો કે બાંગ્લાદેશ ટીમનું ફોર્મ જોતા ટીમ ઈન્ડિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે.


બાંગ્લાદેશ સાથેની છેલ્લી 5 વન-ડે મેચોમાં ટીમ ઈન્ડિયાને 3 હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં બાંગ્લાદેશને નબળી ટીમ ગણશે નહીં. આ ટીમ સામે થોડી બેદરકારી પણ ટીમ ઈન્ડિયા માટે મોંઘી સાબિત થઈ શકે છે. તેથી, ભારતીય ટીમ મેનેજમેન્ટ આ મેચ માટે ફક્ત તેના શ્રેષ્ઠ પ્લેઇંગ-11ને જ મેદાનમાં ઉતારવા માંગશે.


છેલ્લી ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં એક ફેરફાર થયો છે. પ્રથમ મેચમાં સ્પિન ફ્રેન્ડલી વિકેટના કારણે ટીમ ઈન્ડિયાએ ત્રણ સ્પિનરોને રમાડ્યા હતા જેમાં આર અશ્વિનનો સમાવેશ થાય છે. બીજી મેચમાં અશ્વિનના સ્થાને શાર્દુલને તક આપવામાં આવી હતી અને પછી ત્રીજી મેચમાં ઈશાન કિશનને પડતો મૂકવામાં આવ્યો હતો અને શુભમન ગિલને પ્લેઈંગ-11માં સામેલ કરાયો હતો.  જો કે ચોથી મેચમાં કોઈ ફેરફાર શક્ય નથી. એટલે કે ટીમ ઈન્ડિયા એ જ પ્લેઈંગ-11 સાથે મેદાનમાં ઉતરશે જે અમદાવાદમાં પાકિસ્તાન સામે હતી.


ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત નથી. તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. એટલે કે કોઈપણ ખેલાડીના આઉટ થવાની કોઈ શક્યતા નથી. પુણેનું મેદાન ઝડપી બોલરો અને બેટ્સમેનોને વધુ મદદ કરશે આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાના બે સ્પિનરોની ફોર્મ્યુલા સાથે મેદાનમાં ઉતરશે. તમામ ખેલાડીઓ પણ સારા ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્વિત નહી થાય ત્યાં સુધી તેના કોઈપણ સ્ટાર ખેલાડીને આરામ આપવાનું પસંદ કરશે નહીં.


બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા શાર્દુલ ઠાકુરના સ્થાને મોહમ્મદ શમીને તક આપી શકે છે. કારણ કે છેલ્લી મેચમાં શાર્દુલ ઠાકુરને માત્ર બે ઓવર ફેંકવાની તક મળી હતી.  


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકર/મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.