Sourav Ganguly on Virat kohli: ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ, ટી-20 પછી હાલમાં વન-ડે સીરિઝ રમી રહી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું પણ બ્રિટિશ સંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.






સૌરવ ગાંગુલીએ લંડનમાં મીડિયા સાથે વાત કરતા પોતાના સન્માન અને વિરાટ કોહલીના ખરાબ ફોર્મ વિશે વાત કરી હતી. આ સિવાય તેમણે બીસીસીઆઈ અધ્યક્ષ તરીકેના પોતાના કાર્યકાળ વિશે પણ નિવેદન આપ્યું હતું.


ગાંગુલીએ કહ્યું, 'બ્રિટિશ સંસદ દ્વારા મને બંગાળી તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. તેથી તે એક સારી લાગણી હતી. આ માટે છ મહિના પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ દર વર્ષે આ એવોર્ડ આપે છે અને મને એવોર્ડ આપવામાં આવ્યો છે.


વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર ગાંગુલીએ કહ્યું, 'તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના રેકોર્ડને જોવો, તે ક્ષમતા અને ગુણવત્તા વિના આ પ્રકારનો રેકોર્ડ બનતો નથી. હા, તે અત્યારે મુશ્કેલ સમય પસાર કરી રહ્યો છે. તે એ પણ જાણે છે કે આ બધું તેના કદ અનુસાર થઇ રહ્યું નથી.


ગાંગુલીએ કહ્યું, 'હું કોહલીને વધુ સારો દેખાવ કરતો જોવા માંગુ છું, પરંતુ તેણે આમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢવો પડશે. તે 11-12 વર્ષથી જે કરે છે તે કરીને તેને બતાવવું પડશે. માત્ર કોહલી જ આ કરી શકે છે.


તેમણે કહ્યું, 'ક્રિકેટમાં આ બધું થતું રહે છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને મારી સાથે પણ આવું થયું છે. ભવિષ્યમાં બીજા ઘણા ખેલાડીઓ સાથે આવું થશે. આ રમતનો એક ભાગ છે. એક ખેલાડી તરીકે તમારે માત્ર મેદાન પર જઈને પ્રદર્શન કરવાનું હોય છે.


BCCI પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ અને કોરોનાના પડકારો પર ગાંગુલીએ કહ્યું, 'તે ખૂબ જ પડકારજનક હતું, કારણ કે આ પહેલા કોઈએ કોરોનાને જોયો ન હતો. તેણે આખી દુનિયાને થંભાવી દીધી, પરંતુ તેમ છતાં અમે ક્રિકેટને આગળ લાવવામાં સફળ રહ્યા.