Team India Record in Edgbaston Birmingham IND vs ENG 2nd Test: ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ માટે એજબેસ્ટનમાં મેદાનમાં ઉતરશે, પરંતુ આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. 123 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ભારતને અત્યાર સુધી એજબેસ્ટનમાં એક પણ જીત મળી નથી. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર અત્યાર સુધી કુલ સાત ટેસ્ટ મેચ રમી છે, પરંતુ વિજયનો સ્વાદ ચાખ્યો નથી અને તેમાંથી ત્રણ વખત ભારતને ઇનિંગના માર્જિનથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે.
1967માં પહેલી વાર ભારતે એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ઇંગ્લેન્ડે ભારતને 132 રનથી હરાવ્યું હતું. આ પછી 1974માં ભારત એક ઇનિંગ અને 78 રનથી હારી ગયું હતું અને પછી 1979માં તે એક ઇનિંગ અને 83 રનથી હારી ગયું હતું. 1986માં બંને વચ્ચે રમાયેલી મેચ એકમાત્ર ટેસ્ટ હતી જે ડ્રો રહી હતી. આ પછી 1996માં ભારતને ફરીથી 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાને આ મેદાન પર 201માં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો જ્યારે ઈંગ્લેન્ડે ભારતને એક ઇનિંગ અને 242 રનથી હરાવ્યું હતું. છેલ્લી વખત ભારતને 2022માં સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે 2016માં અહીં સારું પ્રદર્શન કર્યું અને જીતની નજીક પહોંચી ગયું, પરંતુ ઈંગ્લેન્ડે તે મેચ 31 રનથી જીતી લીધી. આ પછી 2022માં હાર સાથે એજબેસ્ટનમાં ભારતની જીતની રાહ લાંબી થઈ ગઈ હતી
ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો લીડ્સ ખાતેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા ઇતિહાસ બદલવાના ઇરાદા સાથે એજબેસ્ટન મેદાનમાં ઉતરશે. જોકે, આ વખતે ભારતીય ટીમને તેના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ખોટ સાલશે, જેને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને જવાબદારી અર્શદીપ સિંહ અને આકાશદીપ સિંહ જેવા યુવા બોલરો પર રહેશે.
જો ભારતે એજબેસ્ટનમાં પહેલીવાર જીત નોંધાવવી હોય તો તેણે દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરવું પડશે. જો ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર 123 વર્ષના ઇતિહાસને બદલવો હોય તો તેણે ફિલ્ડિંગ, બોલિંગમાં સુધારો કરવો પડશે.