IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી ટેસ્ટ મેચ ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. બોલિંગ માટે મેદાનમાં ઉતરતાં જ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો હતો.


સચિનનો કયો રેકોર્ડ તોડ્યો એન્ડરસને


જેમ્સ એન્ડરસન ઘર આંગણે સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી બની ગયો છે. એન્ડરસન ઘર આંગણે 95મી ટેસ્ટ રમી રહ્યો છે. સચિન તેંડુલકર ઘર આંગણે 94 ટેસ્ટ રમ્યો હતો અને આજ દિન સુધી તેનો રેકોર્ડ સલામત હતો. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 92, ઈંગ્લેન્ડનો એલિસ્ટર કૂક 89, ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વો 89 અને સાઉથ આફ્રિકાનો જેક કાલીસ ઘર આંગણે 88 ટેસ્ટ રમ્યા છે.


આજે ટોસ હાર્યા બાદ કેપ્ટન કોહલીએ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, કેપ્ટન કોહલીએ ઈશાંત શર્મા, મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ કર્યો છે. આમ કોહલીએ ફરીથી અશ્વિનને તક આપી નથી.


ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ


ઈંગ્લેન્ડની ટીમમાં પણ બે બદલાવ


ઈંગ્લેન્ડની ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. જોસ બટલરના સ્થાને ઓલી પોપે અને સેમ કરનના સ્થાને ક્રિસ વોક્સને સામેલ કરાયા છે.


1971 બાદ ભારત અહીં જીત્યું નથી


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ શરૃ થવા જઈ રહી છે. ભારત આ મેદાન પર ૧૩માંથી એકમાત્ર ટેસ્ટ જીતી ચૂક્યું છે. ભારતે ૧૯૭૧માં અજીત વાડેકરની કેપ્ટન્સી હેઠળ ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ અને શ્રેણી જીતી હતી, તે રેકોર્ડ આ જ મેદાન પર નોંધાયો હતો. આજે તે વિજયની ગોલ્ડન જ્યુબિલી ચાલી રહી છે. જોકે, ભારત ત્યાર બાદ અહીં એક પણ મેચ જીતી શક્યું નથી. ૧૩માંથી ઈંગ્લેન્ડ છેલ્લી ત્રણ સહિત કુલ પાંચ ટેસ્ટ જીત્યું છે. જ્યારે સાત ટેસ્ટ મેચ ડ્રો રહી છે.  આમ કોહલી પાસે આજથી શરૂ થતી ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચવાનો પણ મોકો છે.


હાલ સીરિઝ 1-1થી બરાબર


ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો દેખાવ રોલરકોસ્ટર રાઈડ જેવો રહ્યો છે. પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતે બીજી લોર્ડ્ઝ ટેસ્ટમાં ૧૫૧ રને શાનદાર વિજય મેળવતા શ્રેણીમાં ૧-૦થી બરોબરી મેળવી હતી.  જોકે, હેડિંગ્લેમાં ભારતનો બંને ઈનિંગમાં ધબડકો થયો હતો અને ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને ૭૬ રનથી વિજય મેળવતા શ્રેણીમાં ૧-૧થી બરોબરી હાંસલ કરી હતી.