IND Vs ENG 4th Test: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારત સામેની ચોથી ટેસ્ટ માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્ત શોએબ બશીરના સ્થાને ડાબોડી સ્પિનર લિયામ ડોસનને તક મળી છે. ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે ટીમમાં પાંચ ફાસ્ટ બોલરોને રાખ્યા છે. ટીમમાં ડોસન એકમાત્ર સ્પિનર છે. ફાસ્ટ બોલર જેમી ઓવરટન અને સેમ કૂકને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાનારી ચોથી ટેસ્ટ માટે ડાબોડી સ્પિનર લિયામ ડોસનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડોસનને શોએબ બશીરની જગ્યાએ ઇંગ્લિશ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચરને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

૩૫ વર્ષીય લિયામ ડોસને જુલાઈ ૨૦૧૭ માં દક્ષિણ આફ્રિકા સામે ઈંગ્લેન્ડ માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તે છેલ્લા બે વર્ષથી હેમ્પશાયર માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ૨૦૨૩ અને ૨૦૨૪ માં પીસીએ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. જોકે, તેણે અત્યાર સુધીમાં ફક્ત ત્રણ ટેસ્ટ રમી છે અને તેના નામે સાત વિકેટ છે.

ઇંગ્લેન્ડની પુરુષ ટીમના રાષ્ટ્રીય પસંદગીકાર લ્યુક રાઈટે ડોસનની પસંદગી વિશે કહ્યું, "લિયામ ડોસન ટીમમાં સ્થાન મેળવવાને લાયક છે. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેમનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે અને તેઓ હેમ્પશાયર માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે."

ભારત સામેની ચોથી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ - બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, જેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટોંગ અને ક્રિસ વોક્સ.

આ રીતે શ્રેણી ચાલી રહી છે લીડ્સના હેડિંગ્લી ખાતે રમાયેલી પાંચ મેચની આ ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે 5 વિકેટથી જીતી હતી. આ પછી, ટીમ ઇન્ડિયાએ બર્મિંગહામમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડે છેલ્લા દિવસે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ 22 રનથી જીતી હતી. હવે ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે. આવી સ્થિતિમાં, ટીમ ઇન્ડિયાએ શ્રેણી જીતવા માટે બાકીની બે ટેસ્ટ કોઈપણ ભોગે જીતવી પડશે. બીજી તરફ, ઇંગ્લેન્ડને શ્રેણી જીતવા માટે ફક્ત એક જ ટેસ્ટ જીતવાની રહેશે.