IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ લીડ્સના હેડિંગલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જસપ્રિત બુમરાહ પાસે આ મેચમાં ઈતિહાસ રચવાની તક છે. જો જસપ્રીત બુમરાહ લીડ્સમાં પાંચ વિકેટ ઝડપી લેશે તો તે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડી નાખશે.


જસપ્રિત બુમરાહે અત્યાર સુધીમાં 22 ટેસ્ટ મેચ રમી છે અને તેણે આ સમયગાળા દરમિયાન 95 વિકેટ લીધી છે. બુમરાહ પાસે પાંચ વિકેટ લઈને માત્ર 23 ટેસ્ટમાં 100 વિકેટ પૂરી કરવાની તક છે. જો બુમરાહ આ સિદ્ધિ હાંસલ કરી લે તો તે ભારત માટે સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ લેનાર બોલર બની જશે. કપિલ દેવે 25 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી.


બુમરાહે વર્ષ 2018 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે અત્યાર સુધી ભારતીય ભૂમિ પર માત્ર ચાર વિકેટ લીધી છે અને બાકીની 91 વિકેટ તેણે વિદેશની ધરતી પર મેળવી છે. બુમરાહને પાંચ વિકેટ મળતા જ તે ટેસ્ટમાં 100 વિકેટ લેનાર ભારતનો 23 મો બોલર બની જશે.


જો રૂટ પાસે ઈતિહાસ રચવાની તક છે


ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રુટ પાસે ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બનવાની તક છે. રુટે ભારત સામે અત્યાર સુધીમાં સાત ટેસ્ટ સદી ફટકારી છે. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ ઇંગ્લેન્ડ સામે સાત સદી સાથે યાદીમાં ટોચ પર છે.


જો રૂટ ભારત સામે રમાઈ રહેલી શ્રેણીમાં જબરદસ્ત સ્કોર કરી રહ્યો છે. રૂટે પ્રથમ ટેસ્ટમાં 109 અને 63 રન બનાવ્યા હતા. જો રૂટ લોર્ડ્સ ટેસ્ટમાં 180 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ વર્ષે, જો રૂટે બે બેવડી સદી અને 180 થી વધુ રનની ઇનિંગ રમી છે.