નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી પાંચ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. આ સીરીઝ માટે ભારતીય ટીમમાં કેટલાય નવા ચહેરાઓને મોકો મળ્યો છે, જેમાં રાહુલ તેવટિયા પણ સામેલ છે. પરંતુ ખાસ વાત છે કે જ્યારે ટી20 ટીમની જાહેરાત થઇ ત્યારે તેને ખુદને ખબર જ ન હતી, અને ચહલે તેને ફોન કરીને આ વાતની જાણ કરી હતી.


ટીમ ઇન્ડિયાની ટી20 ટીમમાં પસંદગી થયા અંગે રાહુલ તેવટિયાએ શું કહ્યું- રાહુલ તેવટિયા જણાવ્યુ કે પહેલા તેને આ વાતની કોઇ જાણકારી ન હતી, જ્યારે ટીમની જાહેરાત થઇ ત્યારે તે ઊંઘી રહ્યો હતો, ત્યારે મને યુજવેન્દ્ર ચહલનો ફોન આવ્યો, ચહલે મને કહ્યું- તારુ ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થઇ ગયુ છે.

રાહુલ તેવટિયાએ કહ્યું- પહેલા મને લાગ્યુ કે તે મજાક કરી રહ્યો છે, મને ન હતી ખબર કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે મારુ સિલેક્શન થશે. પણ જ્યારે ચહલે ટીમ સિલેક્શનની ખબર મને શેર કરી ત્યારે મને આ વાત પર વિશ્વાસ આવ્યો. તેને જણાવ્યુ કે આ પછી મોહિત શર્મા પણ મારા રૂમમાં આવ્યો અને તેને ભારતીય ટીમના મારા સિલેક્શનના સમાચાર મને આપ્યા. હાલ રાહુલ તેવટિયા કોલકત્તામાં છે, જ્યાં તે વિજય હજારે ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ તેવટિયાને આઇપીએલમાં શાનદાર પરફોર્મન્સનુ આ ખાસ ઇનામ મળ્યુ છે, તેને આઇપીએલ 2020માં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતાં કેટલીય વાત એકલા હાથે ટીમને જીત અપાવી હતી.