બુધવારે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની અત્યંત રોમાંચક મેચમાં યજમાન ભારતીય ક્રિકેટ ટીમે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી છે. આ હાર સાથે જ નેધરલેન્ડ્સની ટીમનું વર્લ્ડ કપનું અભિયાન સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. મેચ પૂરી થયા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પોતાની ટીમની હાર સ્વીકારતા એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે ભારતીય બેટ્સમેનોની આક્રમક રમત અને વિસ્ફોટક ફાયરપાવરના દિલ ખોલીને વખાણ કર્યા હતા.

આર્યન દત્તની બોલિંગ અને શરૂઆતનો દબદબો

આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ આકરી લડત આપવા છતાં 20 ઓવરમાં 7 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.

Continues below advertisement
Continues below advertisement

પોતાના બોલરોના પ્રદર્શન વિશે વાત કરતા કેપ્ટન એડવર્ડ્સે સ્પિનર આર્યન દત્તની વિશેષ પ્રશંસા કરી હતી. આર્યને પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપીને 2 કિંમતી વિકેટ ઝડપી હતી. કેપ્ટને કહ્યું, "અમે શરૂઆતમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. આનો સંપૂર્ણ શ્રેય આર્યન દત્તને જાય છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી અમારા માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ભારતીય બેટ્સમેનોને રન બનાવવા માટે જોરદાર પડકાર ફેંક્યો હતો, અને એક સમયે અમને લાગી રહ્યું હતું કે અમે આ મેચમાં સંપૂર્ણપણે પકડ બનાવી લીધી છે."

ભારતીય બેટ્સમેનોની ફાયરપાવર સામે ઝૂકવું પડ્યું

એક સમયે ભારતીય ટીમે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને માત્ર 118 રન જ બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ મેદાન પર જે તબાહી મચાવી, તેણે મેચનું ચિત્ર બદલી નાખ્યું.

આ વિસ્ફોટક બેટિંગ અંગે સ્કોટ એડવર્ડ્સે સ્વીકાર્યું કે, "અમે સારી રીતે જાણતા હતા કે ભારતીય બેટિંગ લાઇન અપમાં કેટલી જબરદસ્ત તાકાત અને ફાયરપાવર રહેલી છે. તેથી, પ્રથમ 14 15 ઓવર સુધી તેમને મોટા શોર્ટ્સ રમતા રોકી રાખવા તે અમારા માટે ખરેખર એક મોટી ઉપલબ્ધિ હતી. પરંતુ અમારાથી ફિલ્ડિંગમાં કેટલીક મોટી ભૂલો થઈ, અમે મહત્વના કેચ છોડ્યા. જ્યારે તમે આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓને જીવતદાન આપો છો, ત્યારે તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડે છે. તેઓએ 16મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, એટલે કે તેમની પાસે અંતિમ ઓવરો માટે પૂરતી વિકેટો બાકી હતી, અને પરિણામે તેઓ છેલ્લી કેટલીક ઓવરોમાં ખૂબ જ ઝડપથી સ્કોર કરી ગયા."

'ભારતમાં રમવાથી ઘણું શીખવા મળે છે'

નેધરલેન્ડ્સે આ 2026 ના T20 વર્લ્ડ કપમાં કુલ 4 મેચો રમી હતી, જેમાંથી માત્ર 1 માં તેમને જીત મળી હતી. તેઓ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયા છે.

પોતાના વર્લ્ડ કપના અનુભવને શેર કરતા કેપ્ટને અંતમાં જણાવ્યું કે, "ભારતની ધરતી પર આવીને ક્રિકેટ રમવાથી તમને હંમેશા કંઈક નવું શીખવા મળે છે. અહીંની પરિસ્થિતિઓ અમારા દેશ કરતા સાવ અલગ છે. અહીં મેદાન પ્રમાણમાં નાના છે, બેટિંગ માટે વિકેટો એકદમ સરળ અને સપાટ હોય છે, અને દર્શકોની વિશાળ ભીડ વચ્ચેનું વાતાવરણ અદભુત હોય છે. એક ટીમ તરીકે અમે ઘણા તબક્કામાં શાનદાર ક્રિકેટ રમી, પરંતુ મોટી અને નિર્ણાયક ક્ષણોમાં અમે દબાણ સહન કરવામાં નિષ્ફળ ગયા. જ્યારે તમે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં માત્ર 4 મેચ રમતા હોવ, ત્યારે મળતી તકોનો યોગ્ય લાભ ઉઠાવવો ખૂબ જ જરૂરી બની જાય છે."