IND vs NZ 1st ODI: ક્રિકેટ રસિયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની રોમાંચક વન-ડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જ ભારતીય ડ્રેસિંગ રૂમમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રવિવાર, 11 જાન્યુઆરીના રોજ વડોદરાના BCA સ્ટેડિયમમાં રમાનારી શ્રેણીની પ્રથમ મેચ પૂર્વે સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) ઈજાગ્રસ્ત થયો છે. શનિવારે યોજાયેલા પ્રેક્ટિસ સેશન (Practice Session) દરમિયાન પંતને ઈજા થતાં તે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. આ ઘટના બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પંત આવતીકાલની મેચ માટે ફિટ થઈ શકશે કે કેમ? આ સમાચારે ભારતીય ક્રિકેટ ચાહકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં નેટ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત જોરદાર લયમાં દેખાઈ રહ્યો હતો. તેણે અંદાજે 50 મિનિટ સુધી સઘન બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. જોકે, જ્યારે તે થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ (Throwdown Specialist) નો સામનો કરી રહ્યો હતો ત્યારે એક બોલ અચાનક ઉછળીને તેની કમરના ઉપરના ભાગે વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ પંત દર્દથી કણસતો જોવા મળ્યો હતો અને તેણે તરત જ નેટ્સ છોડી દીધી હતી. હાલમાં બીસીસીઆઈ (BCCI) તરફથી તેની ઈજાની ગંભીરતા અંગે કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગશે નહીં.
રિષભ પંત માટે છેલ્લા કેટલાક વર્ષો શારીરિક રીતે પડકારરૂપ રહ્યા છે. તેણે છેલ્લે ઓગસ્ટ 2024 માં વન-ડે મેચ રમી હતી અને તે સતત પોતાની ફિટનેસ સાબિત કરવા મથામણ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડમાં થયેલી ઈજા બાદ તે ટીમમાં પરત ફર્યો હતો. જો પંત પ્રથમ મેચમાં નહીં રમી શકે, તો ટીમ ઈન્ડિયા પાસે વિકલ્પ તરીકે અનુભવી કેએલ રાહુલ (KL Rahul) ઉપલબ્ધ છે. શુભમન ગિલની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકા સામે કેપ્ટનશીપ કરનાર રાહુલે વિકેટકીપર તરીકે પણ શાનદાર ભૂમિકા ભજવી છે. તેથી, રવિવારની મેચમાં રાહુલ વિકેટકીપર-બેટ્સમેન તરીકે પ્લેઈંગ 11 (Playing 11) માં સ્થાન મેળવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
આવતીકાલે એટલે કે રવિવારે વડોદરાના BCA સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યે આ હાઈવોલ્ટેજ મુકાબલો શરૂ થશે. ક્રિકેટ ચાહકો આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports) પર ટીવીમાં જોઈ શકશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે JioHotstar એપ અને વેબસાઈટ પર મેચ ઉપલબ્ધ રહેશે. ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીઓ પણ એક્શનમાં જોવા મળશે, જેના કારણે આ મુકાબલો યાદગાર બની રહેશે.
સંભવિત ભારતીય સ્ક્વોડ: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર - શંકાસ્પદ), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા.