IND vs NZ, 1st Test, Day 1 Highlights: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 50 અને ડેબ્યૂમેન શ્રેયસ અય્યર 75 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 અને સાઉથીએ 1 વિકેટ લીધી હતી.


લંચ બ્રેક સુધીમાં બનાવ્યા હતા 82 રન


પ્રથમ દિવસે લંચ બ્રેક સમયે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 82 રન હતો. શુભમન ગિલ 52 અને પુજારા 15 રને રમતમાં હતા. ગિલને 0 રને એમ્પાયરે એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો, પરંતુ તેણે ડીઆરએસ લીધો હતો અને નોટઆઉટ જાહેર થયો હતો. મયંક અગ્રવાલ 13 રન બનાવી જેમિસનની ઓવરમાં આઉટ થયો હતો.


બીજું સત્ર ન્યૂઝીલેન્ડના નામે


ટી બ્રેક સમયે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 154 રન હતો. બીજા સત્રમાં ભારતે 72 રન બનાવી ગિલ (52 રન), પૂજારા (26 રન) અને રહાણે (35 રન)ની વિકેટ ગુમાવી હતી. બીજું સત્ર ન્યૂઝીલેન્ડના નામે રહ્યું હતું.


ત્રીજા સત્રમાં છવાયા જાડેજા, અય્યર


ટેસ્ટ મેચના પ્રથમ દિવસના ત્રીજા સત્રમાં રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર છવાયા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. ખરાબ પ્રકાશના કારણે પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે જાડેજા 50 અને અય્યર 75 રને રમતમાં હતા.


ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત


ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ


ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે


ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચીન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે