IND vs NZ: T20માં શાનદાર દેખાવ કરનારા સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હોવાથી રોહિત શર્માનો માનીતો છે. કોલકાતાથી સીધી કાનપુરની ફ્લાઈટ પકડશે. કાનપુરમાં 25 નવેમ્બરે પ્રથમ ટેસ્ટ રમાશે. સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્માં શાનદાર દેખાવ કર્યો હતો. જયપુરમાં રમાયેલા મુકાબલામાં તેણે 40 બોલમાં 62 રન બનાવ્યા હતા.
ચાલુ વર્ષે મર્યાદીત ઓવરના ક્રિકેટમાં કર્યુ છે ડેબ્યૂ
31 વર્ષીય સૂર્યકુમાર યાદવે ચાલુ વર્ષે માર્ચમાં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતું. ઈંગ્લેન્ડ સામે પ્રથમ મુકાબલામાં જ તેણે અડધી સદી ફટકારી હતી. 11 ટી20 મુકાબલામાં તેણે 34 રનની સરેરાશથી 244 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 155નો છે. સૂર્યકુમારે ચાલુ વર્ષે વન ડે ટીમમાં પણ ડેબ્યૂ કર્યું હતું,. શ્રીલંકા સામે ડેબ્યૂ સીરિઝમાં 62ની સરેરાશથી રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ કરાયો હતો સામેલ
આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા તરફથી મર્યાદીત ઓવરના ક્રિકેટમાં સૂર્યકુમારના શાનદાર દેખાવને જોતાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો નહોતો. પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે સૂર્યકુમાર યાદવના નામની જાહેરાત થવાની બાકી છે.
પ્રથમ ટેસ્ટમાં કોને મળી શકે છે તક
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ અખતરા કરે તેમ લાગતું નથી. મિડલ ઓર્ડરમાં પુજારા અને રહાણે જેવી રક્ષણાત્મક બેટિંગ કરતા ખેલાડીની સાથે ગિલ, ઐયર કે સૂર્યકુમારને રમાડાય તેવી શક્યતા છે. રાહુલ અને મંયંક અગ્રવાલ ઓપનિંગમાં આવી શકે છે. અશ્વિન અને જાડેજા સ્પિન બોલિંગમાં નિશ્ચિત છે. ત્રીજી સ્પીનર્સ તરીકે જયંત યાદવ કે અક્ષર પટેલની પસંદગી થઈ શકે છે. ફાસ્ટ બોલિંગ આક્રમણ ઈશાંત શર્મા, ઉમેશ યાદવ સંભાળી શકે છે. જો પિચ ફાસ્ટ બોલર્સને મદદકર્તા હશે તો સિરાજને પણ મોકો આપવામાં આવી શકે છે.