IND vs NZ 3rd ODI Highlights: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી નિર્ણાયક ત્રીજી વનડે મેચ અત્યંત રોમાંચક તબક્કે પહોંચી છે. જોકે, આ મેચમાં ભારતીય ટીમની એક મોટી ફિલ્ડિંગ ભૂલ ચર્ચાનો વિષય બની છે. યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા (Harshit Rana) એ એક સરળ કેચ છોડી દેતા ટીમ ઈન્ડિયાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ભારતીય બોલરોએ શરૂઆતમાં કસીને બોલિંગ કરતા માત્ર 15 ઓવરની અંદર કિવી ટીમના ત્રણ મુખ્ય બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. પરંતુ મધ્ય ઓવરોમાં એક કેચ ડ્રોપ થતાં મેચનું ચિત્ર બદલાઈ ગયું હતું.
મેચનો ટર્નિંગ પોઈન્ટ (Turning Point) 26 મી ઓવરમાં આવ્યો હતો. આ સમયે ક્રિઝ પર ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ સેટ થઈ ચૂક્યા હતા. નીતિશ કુમાર રેડ્ડી (Nitish Reddy) બોલિંગ કરી રહ્યા હતા અને સ્ટ્રાઈક પર ગ્લેન ફિલિપ્સ હતો. ઓવરના પાંચમા બોલ પર ફિલિપ્સે હવામાં પુલ શોટ ફટકાર્યો, જે સીધો ડીપ સ્ક્વેર લેગ તરફ ગયો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા હર્ષિત રાણાએ બોલ તરફ દોડવામાં સહેજ મોડું કર્યું અને અંતે ડાઈવ લગાવીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છટકી ગયો. આ એક સરળ તક હતી જે રાણાએ ગુમાવી દીધી. તે સમયે ગ્લેન ફિલિપ્સ માત્ર 18 રન પર રમી રહ્યો હતો.
આ જીવનદાનનો ગ્લેન ફિલિપ્સે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે ત્યારબાદ કોઈ ભૂલ કર્યા વગર આક્રમક બેટિંગ ચાલુ રાખી અને પોતાની અડધી સદી (Fifty) પૂર્ણ કરી. બીજી છેડે ડેરિલ મિશેલે (Daryl Mitchell) શાનદાર બેટિંગ કરતા શ્રેણીમાં પોતાની સતત બીજી સદી ફટકારી હતી. ફિલિપ્સ અને મિશેલની ભાગીદારીએ ભારતીય બોલરો પર દબાણ વધારી દીધું હતું, જેના કારણે ભારતે શરૂઆતમાં મેળવેલો ફાયદો ગુમાવ્યો હતો.
શરૂઆતમાં ભારતીય બોલરોનું પ્રદર્શન વખાણવાલાયક રહ્યું હતું. પહેલી જ ઓવરમાં હેનરી નિકોલ્સ આઉટ થયો હતો, ત્યારબાદ હર્ષિત રાણાએ ડેવોન કોનવેની વિકેટ ઝડપી હતી. જ્યારે વિલ યંગ 58 રન બનાવી આઉટ થયો ત્યારે ન્યુઝીલેન્ડ મુશ્કેલીમાં હતું. પરંતુ હર્ષિત રાણાની એક ફિલ્ડિંગ ભૂલે મેચનું પાસું પલટી નાખ્યું અને ન્યુઝીલેન્ડને ફરીથી મેચમાં વાપસી કરવાની તક આપી દીધી.