IND vs NZ 5th T20 Highlights: તિરુવનંતપુરમ (Thiruvananthapuram) ના મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમે (Team India) આગામી 'T20 વર્લ્ડ કપ 2026' પહેલા જબરદસ્ત પ્રદર્શન કરીને વિશ્વભરની ટીમોને ખતરાની ઘંટડી વગાડી દીધી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં ભારતે 46 રને શાનદાર વિજય મેળવીને શ્રેણી 4-1 થી પોતાના નામે કરી લીધી છે. તિરુવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં ભારતીય બેટ્સમેનો અને બોલરોએ તરખાટ મચાવ્યો હતો.

આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવતા નિર્ધારિત 20 ઓવરમાં 271 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો. આ સ્કોર આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો ત્રીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે, જે જોઈને કિવી બોલરો પણ હેરાન થઈ ગયા હતા.

ભારતીય ઇનિંગનો અસલી હીરો ઈશાન કિશન (Ishan Kishan) રહ્યો હતો. ઈશાને કિવી બોલરોની ધોલાઈ કરતા માત્ર 42 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે કુલ 43 બોલમાં 103 રન ફટકાર્યા હતા, જેમાં 10 ગગનચુંબી છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. તેના 'વાવાઝોડા' સામે ન્યુઝીલેન્ડના બોલરો લાચાર જણાયા હતા.

Continues below advertisement

Continues below advertisement

જોકે, બીજી તરફ કેરળના લોકલ બોય અને સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન ફરી નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 6 રન બનાવી શક્યો હતો. જ્યારે ઓપનર અભિષેક શર્માએ 16 બોલમાં 30 રન બનાવીને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ તે પોતાની ઇનિંગને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નહોતો.

272 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરમાં ટિમ સીફર્ટ (17 રન) આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ ફિન એલન અને રચિન રવિન્દ્રએ વળતો પ્રહાર કરતા માત્ર 48 બોલમાં 100 રનની ભાગીદારી કરી હતી. ફિન એલને 38 બોલમાં 80 રન ફટકારીને ભારતની ચિંતા થોડીવાર માટે વધારી દીધી હતી.

બોલિંગમાં અર્શદીપ સિંહ (Arshdeep Singh) ગેમ ચેન્જર સાબિત થયો હતો. શરૂઆતની 2 ઓવરમાં 40 રન આપ્યા બાદ તેણે જોરદાર કમબેક કર્યું હતું. અર્શદીપે પોતાની 4 ઓવરમાં 51 રન આપીને 5 મહત્વની વિકેટ ઝડપી હતી. T20 કારકિર્દીમાં 100 થી વધુ વિકેટ લેનાર અર્શદીપ માટે એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની આ પ્રથમ ઘટના હતી.

મેચની 9મી ઓવરમાં અક્ષર પટેલે જામી ગયેલી જોડી તોડ્યા બાદ ભારતીય બોલરોએ મેચ પર પકડ જમાવી લીધી હતી. અક્ષર પટેલે 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને રિંકુ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી. અંતે ન્યુઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતનો ભવ્ય વિજય થયો હતો.