T20 World Cup Final: ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2026 ના ટી 20 વર્લ્ડ કપની શાનદાર ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 95 રનના મોટા અંતરથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ ભવ્ય જીત સાથે જ ભારતે સૌથી વધુ વખત એટલે કે 3 વાર આ પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ નિર્ણાયક મુકાબલામાં પહેલી જ ઓવરથી ભારતીય ખેલાડીઓએ મેદાન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને કિવી ટીમને માથું ઊંચકવાની કોઈ તક આપી ન હતી. આ ઐતિહાસિક જીત પાછળ 5 એવા દિગ્ગજ ખેલાડીઓનો હાથ છે, જેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો. ચાલો જાણીએ આ પાંચ મહારથીઓ વિશે જેમણે ફાઇનલમાં તરખાટ મચાવ્યો.
સંજુ સેમસનની આક્રમક બેટિંગ
આખી ટુર્નામેન્ટમાં સંજુ સેમસન ભારત માટે સૌથી મોટો હુકમનો એક્કો સાબિત થયો. સેમિફાઇનલમાં 89 રનની તોફાની ઇનિંગ રમ્યા બાદ, ફાઇનલમાં પણ તેનું બેટ આગ ઓકતું રહ્યું. તેણે મેદાન પર આવતાની સાથે જ કિવી બોલરોની ધોલાઈ શરૂ કરી દીધી હતી. માત્ર 46 બોલ રમીને તેણે 89 રનની અદભુત રમત બતાવી, જેમાં 5 આકર્ષક ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. સંજુની આ શાનદાર રમતના કારણે ભારતનો સ્કોર એટલો મોટો થઈ ગયો કે ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ અને તેમના માટે વાપસી કરવી અશક્ય બની ગઈ.
અક્ષર પટેલનો જાદુઈ સ્પેલ
મેચમાં એક સમય એવો આવ્યો જ્યારે શિવમ દુબેના હાથમાંથી ખતરનાક બેટ્સમેન ફિન એલનનો કેચ છૂટી ગયો, ત્યારે ચાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સૌને એવું લાગવા માંડ્યું હતું કે બાજી હાથમાંથી સરકી જશે. પરંતુ ત્યારે જ અક્ષર પટેલે પોતાની ચતુર અને સચોટ બોલિંગથી આખી મેચનું પાસું પલટી નાખ્યું. તેણે ફિન એલનને માત્ર 9 રનના સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો, એટલું જ નહીં પણ ગ્લેન ફિલિપ્સ અને ડેરિલ મિશેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનોને પણ આઉટ કરીને કિવી ટીમની કમર તોડી નાખી.
જસપ્રીત બુમરાહના ઘાતક યોર્કર
મોટા મુકાબલામાં જસપ્રીત બુમરાહથી ચડિયાતું કોઈ નથી, તે વાત તેણે ફરી એકવાર સાબિત કરી દીધી. તેણે માત્ર રન રોકવાનું કામ જ ન કર્યું, પરંતુ યોગ્ય સમયે વિકેટો ઝડપીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને મેદાન પર ટકવા જ ન દીધા અને કોઈ મોટી ભાગીદારી થવા દીધી નહીં. પોતાના સ્પેલના પહેલા જ બોલ પર તેણે રચિન રવિન્દ્રને આઉટ કર્યો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં જેમ્સ નીશમ અને મેટ હેનરીને ક્લીન બોલ્ડ કર્યા. છેલ્લી ઓવરમાં પણ તેણે મિશેલ સેન્ટનરના સ્ટમ્પ ઉખાડી નાખ્યા અને ટીમને એકતરફી જીત તરફ દોરી ગયો.
અભિષેક શર્માની તોફાની શરૂઆત
અભિષેક શર્માએ આખી સિરીઝમાં જે રીતે નીડર થઈને બેટિંગ કરી હતી, તેવો જ નજારો ફાઇનલના આખરી તબક્કામાં પણ જોવા મળ્યો. તેણે ફાસ્ટ બોલર હોય કે સ્પિનર, કોઈને છોડ્યા નહીં. માત્ર 21 બોલમાં તેણે 52 રનની વિસ્ફોટક અડધી સદી ફટકારી દીધી. તેના સતત છગ્ગાઓ જોઈને કિવી કપ્તાન વારંવાર બોલર બદલવા મજબૂર થઈ ગયો હતો, પરંતુ અભિષેકનું બેટ રોકાયું નહીં. અભિષેકની આ ધમાકેદાર શરૂઆતના લીધે ભારતે પાવરપ્લેમાં જ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.
ઈશાન કિશનનો ધમાકો
બીજી બાજુથી ઈશાન કિશને પણ પોતાની તાકાતનો પરચો આપ્યો. તેણે પણ શાનદાર અડધી સદી ફટકારી અને સાબિત કર્યું કે તે મોટી મેચનો મોટો ખેલાડી છે. માત્ર 25 બોલમાં તેણે 54 રન બનાવ્યા. તેની રમતમાં સૌથી સારી વાત એ રહી કે તેણે સંજુ સેમસન સાથે મળીને બીજી વિકેટ માટે એક મજબૂત અને મોટી ભાગીદારી નોંધાવી. આ જોડીએ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓનું મનોબળ સાવ તોડી નાખ્યું હતું અને ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી.
