Virat Kohli Anushka Sharma moment: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ પહેલા એક ખૂબ જ સુંદર અને રોમેન્ટિક દ્રશ્ય જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એકબીજાને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે.
વિરાટ કોહલી માત્ર એક શાનદાર ક્રિકેટર જ નથી, પરંતુ તે પોતાના પરિવારને પણ એટલો જ પ્રેમ કરે છે. ઘણીવાર મેદાન પરથી પણ તે પોતાની પત્ની અનુષ્કા માટે પ્રેમ વ્યક્ત કરતો જોવા મળે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ પહેલા પણ કંઈક આવું જ જોવા મળ્યું. દુબઈમાં મેચ શરૂ થાય તે પહેલા વિરાટ કોહલીએ મેદાન પરથી જ અનુષ્કા તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું. જવાબમાં અનુષ્કાએ પણ હસીને હાથ મિલાવ્યા અને પોતાના પતિને ફાઈનલ માટે શુભેચ્છાઓ આપી. આ પ્રેમાળ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025)માં વિરાટ કોહલીનું બેટ તોફાની અંદાજમાં બોલી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં વિરાટ શાનદાર ફોર્મમાં છે. તેણે ફાઈનલ મેચ સિવાય અત્યાર સુધી ચાર મેચોમાં કુલ 217 રન બનાવ્યા છે. જેમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો સામેની મેચોમાં તેણે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પાકિસ્તાન સામેની મેચમાં વિરાટે (Virat Kohli) અણનમ 100 રનની શાનદાર સદી ફટકારી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલ મેચમાં પણ મુશ્કેલ પરિસ્થિતિમાં 84 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેના પરિણામે ટીમ ઈન્ડિયા આ મેચો જીતવામાં સફળ રહી.
હવે જ્યારે ટીમ (Team India) ફાઈનલમાં પહોંચી છે, ત્યારે ફરી એકવાર ક્રિકેટ ચાહકો વિરાટ કોહલી પાસેથી ફાઈનલ મેચમાં પણ આવા જ ધમાકેદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. જો ફાઈનલમાં પણ કિંગ કોહલીનો જાદુ ચાલ્યો તો ટીમ ઈન્ડિયાનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો...
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?