ICC Cricket World Cup 2023: આ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મોટી મેચ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું હતું કે ભારત સામે તેમને આકરા પડકારનો સામનો કરવો પડશે. 2019ના વર્લ્ડ કપની સેમિફાઈનલમાં કેન વિલિયમ્સનની ટીમ ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવીને સેમિફાઈનલમાંથી બહાર ફેંકી દીધી હતી. હવે ફરી એકવાર કેન વિલિયમ્સન પોતાની ટીમ સાથે ભારત સામે આવ્યો છે.






સેમિફાઈનલ મેચ પહેલા કેન વિલિયમ્સને શું કહ્યું?


મેચ અગાઉ કેન વિલિયમ્સને પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ કેમ્પની હાલત કેવી છે. આ પ્રશ્નનો જવાબ આપતાં ન્યૂઝીલેન્ડના કેપ્ટને કહ્યું, "હા, પરિસ્થિતિ સારી છે. અમારા મોટાભાગના ખેલાડીઓ આ સ્ટેડિયમમાં અને આટલા મોટા પ્રસંગે મેચ રમ્યા નથી. તે અમારા માટે મુશ્કેલ પડકાર હશે. તે લોકો (ભારતીય ટીમ) ખૂબ સારું ક્રિકેટ રમી રહ્યા છે, પરંતુ તે માત્ર એક દિવસની વાત છે. અમે પણ સારું ક્રિકેટ રમ્યા છીએ. અમે આ મેચ માટે ઉત્સાહિત છીએ."


નોંધનીય છે કે આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ હંમેશા ભારતને પરેશાન કરે છે. 2003 વર્લ્ડ કપ પછી 2023 ICC ટૂર્નામેન્ટના લીગ તબક્કામાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળતા મેળવી હતી. વચ્ચેના 20 વર્ષમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટૂર્નામેન્ટની એક પણ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 239 રનમાં આઉટ કરી દીધી હતી પરંતુ ભારતીય ટીમ માત્ર 221 રન જ બનાવી શકી હતી અને 18 રનથી મેચ હારી જતાં સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી. તે મેચ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી અને તેના આઉટ થયા બાદ ભારતીય ચાહકોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે શું ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં પોતાની હારનો બદલો લઈ શકશે કે નહીં.