IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવવાની સાથે સીરિઝ જીતી હતી. ભારતની રનના હિસાબે આ સૌથી મોટી જીત હતી.  જીત બાદ કોહલીએ દિલ ખોલીને ખેલાડીઓની પ્રશંસા કરી હતી.


વિરાટે ટીમ વિશે આ વાત કહી


ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અંગે વિરાટે કહ્યું, "છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને T20 વર્લ્ડ કપની ફાઈનલ સિવાય અન્ય શ્રેણી અને ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભારતમાં લોકો અપેક્ષા રાખે છે કે તમે 12 મહિનામાં રમો છો તે બધી મેચો જીતો. જો કે, માનવીય રીતે આમ કરવું શક્ય નથી. તમે દરેક ટુર્નામેન્ટ જીતી શકતા નથી. આપણે જોવું પડશે કે શું ભારતીય ક્રિકેટ સતત ઉપર તરફ જઈ રહ્યું છે. અમે આ જ પ્રયાસ કરીએ છીએ અને આવનારી પેઢી પણ આ જ પ્રયાસ કરશે."


મયંક અને અક્ષરના વખાણ કર્યા


મયંક અગ્રવાલ અને અક્ષર પટેલની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું, "મયંકે ખૂબ જ સારી ઈનિંગ્સ રમી અને સાબિત કર્યું કે તે અહીં લાંબા સમયથી છે. આવી ઈનિંગ્સ આગળ જતાં તેનો આત્મવિશ્વાસ વધારશે." વિરાટે અક્ષર પટેલના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરીને કહ્યું, "અક્ષર એક ઓલરાઉન્ડર છે અને તે ટીમમાં રહે છે, તો ટીમનું સંતુલન વધુ સારું રહે છે. જો તે તેની ફિટનેસ જાળવી રાખે તો તે લાંબા સમય સુધી રમી શકે છે."





રહાણેને લઈ શું કહ્યું કોલીએ


મુંબઈ ટેસ્ટ જીત્યા બાદ વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેનું સમર્થન કર્યું છે. રહાણેની ટીકા અંગે કોહલીએ કહ્યું, "અમે એવા લોકોમાંથી નથી કે જેઓ બે મહિના પહેલા કોઈના વખાણ કરતા હોય ત્યારે સારું કરે અને પછી અચાનક કહે કે તેને ટીમમાંથી બહાર કરી દો. અજિંક્ય રહાણેએ મહત્વની મેચોમાં પ્રદર્શન કર્યું છે અને તેમને સમર્થન આપવું જોઈએ. "


સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રહાણેને મુંબઈ ટેસ્ટ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જોકે, બીસીસીઆઈએ કહ્યું કે તે ઈજા સાથે ઝઝૂમી રહ્યો છે. સવાલ એ છે કે શું રહાણેને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તક આપવામાં આવશે? ઘણા દિગ્ગજોએ કહ્યું છે કે રહાણેને આગામી શ્રેણીમાં તક નહીં મળે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટને અજિંક્યના સમર્થનમાં પોતાનું નિવેદન આપ્યું છે.