T20 World Cup Final: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગયો છે. ફાઈનલ મુકાબલામાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હશે. આ મહામુકાબલો 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. આવામાં ફેન્સના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે મેચના દિવસે હવામાન કેવું રહેશે અને ક્યાંક વરસાદ રમત બગાડશે તો નહીં ને?

હવામાનનો તાજો રિપોર્ટ ફેન્સ માટે રાહત આપનારો છે. અમદાવાદમાં ફાઈનલના દિવસે વરસાદની સંભાવના બિલકુલ નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આકાશ સ્વચ્છ રહેશે અને મેચ કોઈપણ અવરોધ વિના રમાય તેવી પૂરી આશા છે.

ગરમી બની શકે છે પડકાર

જોકે વરસાદનો ખતરો નથી, પરંતુ ગરમી ખેલાડીઓ માટે પડકાર બની શકે છે. દિવસ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાત્રે તાપમાન થોડું ઘટીને આશરે 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે, તેથી દિવસની કાળઝાળ ગરમીની અસર થોડી ઓછી થઈ શકે છે. તેમ છતાં ગરમ અને હળવી ભેજવાળી હવા ખેલાડીઓની ફિટનેસની કસોટી કરી શકે છે.

Continues below advertisement
Continues below advertisement

ફાઈનલ માટે આઈસીસીની ખાસ તૈયારી

હવામાન સાફ રહેવાનું અનુમાન હોવા છતાં, આઈસીસીએ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી વ્યવસ્થા કરી રાખી છે. જો કોઈ કારણસર મેચમાં અવરોધ આવે છે, તો તેના માટે રિઝર્વ ડે (Reserve Day) પણ રાખવામાં આવ્યો છે.

જો 8 માર્ચે મેચ પૂરી ન થઈ શકે, તો 9 માર્ચે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, મેચ પૂર્ણ કરવા માટે બંને ટીમોને 120 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો છે, જેથી બંને ટીમોને ઓછામાં ઓછી 10-10 ઓવર રમવાની તક મળી શકે.

જો રિઝર્વ ડે પર મેચ ન રમાય તો?

સૌથી ખરાબ સ્થિતિમાં, જો રિઝર્વ ડે પછી પણ મેચ શક્ય ન બને અને મુકાબલો ‘નો રિઝલ્ટ’ રહે, તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ ટ્રોફી વહેંચવી પડશે. જોકે, હાલના હવામાન પૂર્વાનુમાનને જોતા તેની શક્યતા ઘણી ઓછી છે. આવામાં ફેન્સને આશા છે કે અમદાવાદમાં એક શાનદાર અને રોમાંચક ફાઈનલ જોવા મળશે.