નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાની સફરનો અંત આવ્યો અને વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.  ભારતીય ટીમ અત્યાર સુધી માત્ર એક જ વાર વર્લ્ડ કપ જીતી શકી છે






 ટીમ ઈન્ડિયા 18 નવેમ્બરથી નવી સિરીઝ શરૂ કરી રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝ શરૂ થઈ રહી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ યુવા ટીમ ઈન્ડિયાની ટક્કર કેન વિલિયમસનની ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલમાં પહોંચ્યા હતા.


 તમે ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણી ક્યાં જોઈ શકશો? 


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી આ T20 અને વન-ડે સીરિઝ ટીવી પર જોવી ક્રિકેટ ચાહકો માટે મુશ્કેલ બનશે, આ સિરીઝ અમેઝોન પ્રાઇમની એપ અને વેબસાઇટ પર પ્રસારિત થશે. સોની ટીવી અથવા સ્ટાર સ્પોર્ટ્સ પાસે તેનું પ્રસારણ કરવાનો અધિકાર નથી, જો કે તે ડીડી સ્પોર્ટ્સ પર લાઇવ થશે.


 ભારતીય ટીમે આ શ્રેણી માટે પોતાના ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે, જેઓ T20 વર્લ્ડ કપ રમીને સ્વદેશ પરત ફર્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન સહિત અન્ય ઘણા ખેલાડીઓ આ સીરિઝનો ભાગ નથી. કોચ રાહુલ દ્રવિડ પણ ન્યૂઝીલેન્ડ ગયા નથી તેમની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચ છે.


  ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ



ભારતીય ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.


ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ


ભારત અને ન્યૂઝીલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.