IND vs PAK T20 World Cup 2026: નવી દિલ્હી અને ઈસ્લામાબાદથી ક્રિકેટ રસિયાઓ માટે અત્યંત આંચકાજનક સમાચાર આવ્યા છે. જેની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી હતી તે 'T20 World Cup 2026' ની ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. 7 February થી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સરકારે એક વિવાદાસ્પદ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.
પાકિસ્તાન સરકારે પોતાની ટીમને શ્રીલંકા અને ભારતમાં યોજાનારા આ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે તો લીલી ઝંડી આપી દીધી છે, પરંતુ 15 February ના રોજ કોલંબોમાં ભારત સામે રમાનારી મેચનો બહિષ્કાર (Boycott) કરવાનો આદેશ આપ્યો છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "અમે રાષ્ટ્રીય ટીમની ટુર્નામેન્ટમાં ભાગીદારીને મંજૂરી આપીએ છીએ, પરંતુ ભારત સામેની નિર્ધારિત મેચમાં ટીમ રમશે નહીં."
આ નિર્ણયથી ભારતીય ટીમને વગર રમ્યે મોટો ફાયદો થશે. આઈસીસી (ICC) ના નિયમો મુજબ, જો કોઈ ટીમ મેદાન પર ઉતરવાનો ઇનકાર કરે છે, તો સામેની ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ સ્થિતિમાં, રોહિત શર્માની સેનાને 'વોકઓવર' (Walkover) મળશે અને સીધા 2 Points મળી જશે. એટલે કે પાકિસ્તાનના આ નિર્ણયથી ભારતનું સેમીફાઈનલનું ગણિત સરળ બની જશે.
આ બહિષ્કાર પાછળનું મુખ્ય કારણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને બીસીસીઆઈ (BCCI) વચ્ચેનો વિવાદ માનવામાં આવે છે. ગત મહિને IPL ટીમ KKR એ મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કર્યો હતો, જેમાં BCCI નો પ્રભાવ હોવાનો ગંભીર આક્ષેપ BCB એ કર્યો હતો. આનાથી નારાજ થયેલા બાંગ્લાદેશે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો અને મેચો શ્રીલંકામાં યોજવાની માંગ કરી હતી.
જ્યારે ICC એ બાંગ્લાદેશની આ માંગણી ફગાવી દીધી, ત્યારે બાંગ્લાદેશે ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો હતો. હવે 'ઈસ્લામિક એકતા' અને રાજદ્વારી સમર્થનના ભાગરૂપે પાકિસ્તાને પણ બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાક્રમે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં પણ તિરાડ પાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં એટલે કે 'Group A' માં છે. તેમની સાથે નેધરલેન્ડ્સ, નામિબિયા અને યુએસએ (USA) જેવી ટીમોનો સમાવેશ થાય છે. આ હાઈ-વોલ્ટેજ મેચ રદ થવાથી બ્રોડકાસ્ટર્સ અને જાહેરાતકર્તાઓને પણ કરોડોનું નુકસાન વેઠવું પડશે.
હવે ભારતીય ટીમના શેડ્યૂલ પર નજર કરીએ તો, ભારત 7 February એ યુએસએ સામે અને 12 February એ નામિબિયા સામે ટકરાશે. પરંતુ 15 February ની જે મેચની ટિકિટો વેચાઈ ગઈ હતી, તે હવે ક્રિકેટના ઇતિહાસમાં 'ન રમાયેલી મેચ' તરીકે નોંધાશે. ચાહકો માટે આ નિરાશાજનક છે, પણ ટીમ ઈન્ડિયા માટે પોઈન્ટ્સની દ્રષ્ટિએ ફાયદાકારક છે.
