IND vs SA highlights: ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝની ધમાકેદાર શરૂઆત કરી છે. કટકના ઐતિહાસિક બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે પ્રોટીઝ ટીમને 101 રનના વિશાળ અંતરથી હરાવીને શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. આ જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો, જેણે મુશ્કેલ સમયમાં તોફાની અડધી સદી ફટકારી. તો બીજી તરફ, બોલિંગમાં 'યોર્કર કિંગ' જસપ્રીત બુમરાહે ખાસ સિદ્ધિ મેળવતા T20 ઇન્ટરનેશનલમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી છે.
કટકનો ‘શ્રાપ’ તૂટ્યો: આફ્રિકા સામે પ્રથમ જીત
કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામે અત્યાર સુધી નબળો રહ્યો હતો. અગાઉ રમાયેલી બંને મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની યુવા ટીમે ઈતિહાસ બદલી નાખ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 175 રનનો સન્માનજનક સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ પત્તાના મહેલની જેમ માત્ર 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
હાર્દિકનું તોફાન: 12 ઓવર પછી બદલાઈ મેચ
મેચની શરૂઆતમાં ભારતીય ટોપ ઓર્ડર સંઘર્ષ કરતું જોવા મળ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને અભિષેક શર્મા મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. એક સમયે ટીમનો સ્કોર 12 ઓવરમાં 4 વિકેટે માત્ર 80 રન હતો. તે સમયે એવું લાગતું હતું કે ભારત નાના સ્કોર પર સમેટાઈ જશે. પરંતુ હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી લીધી. તેણે માત્ર 28 બોલમાં અણનમ 59 રન ફટકારીને મેદાનની ચારે તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી. હાર્દિકની આક્રમક બેટિંગને કારણે ભારતે છેલ્લી 8 ઓવરમાં 95 રન ઉમેરીને કુલ સ્કોર 175 સુધી પહોંચાડ્યો હતો.
જસપ્રીત બુમરાહની ‘વિકેટની સદી’
બોલિંગમાં જસપ્રીત બુમરાહે એક મોટો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર માત્ર બીજો ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે પોતાની 78મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. હાલમાં અર્શદીપ સિંહ 107 વિકેટ સાથે ભારતીય બોલરોમાં મોખરે છે. રસપ્રદ વાત એ છે કે, હાર્દિક પંડ્યા પણ હવે વિકેટોની સદી પૂરી કરવાથી માત્ર એક ડગલું (1 વિકેટ) દૂર છે.
આફ્રિકન બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા
176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. સ્ટાર ઓપનર ક્વિન્ટન ડી કોક ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ટીમ વતી ડેવાલ્ડ બ્રેવિસે સર્વાધિક 22 રન બનાવ્યા હતા. ભારતની ચુસ્ત બોલિંગ લાઈન-અપ સામે આફ્રિકાના માત્ર 4 બેટ્સમેનો ડબલ ડિજિટ (બે અંક) ના સ્કોર સુધી પહોંચી શક્યા હતા.
ભારતીય બોલરોનું સામૂહિક પ્રદર્શન
જીતમાં બોલરોનો ફાળો મહત્વનો રહ્યો હતો. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ એમ ચારેય બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને 1-1 સફળતા મળી હતી. આમ, ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે.