Virat Kohli Breaks Rahul Dravid Record: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કેપટાઉનમાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે. કોહલી દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ભારતીય બની ગયો છે. તેણે પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે.


ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 14 રન બનાવતા જ વિરાટ કોહલી દ્રવિડથી આગળ નીકળી ગયો હતો. કોહલીના હવે 7 ટેસ્ટ મેચમાં 626 રન છે અને તે હજુ પણ બેટિંગ કરી રહ્યો છે. દ્રવિડે 22 ઇનિંગ્સમાં 29.71ની એવરેજથી 624 રન બનાવ્યા હતા. તેણે 1 સદી અને 2 અડધી સદી પણ ફટકારી હતી. કોહલીએ આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 35 અને 18 રન બનાવ્યા હતા. જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં તે રમ્યો નહોતો. પીઠ જકડાઈ જવાને કારણે તે બીજી ટેસ્ટ રમ્યો નહોતો.


દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન (ટેસ્ટમાં)


1-સચિન તેંડુલકર- 28 ઇનિંગ્સમાં 1161 રન, સરેરાશ-46.44, સદી-5, અડધી સદી-3


2-વિરાટ કોહલી - 7 ટેસ્ટ મેચમાં 626 રન*, સદી-2, અડધી સદી-2


3- રાહુલ દ્રવિડ- 22 ઇનિંગ્સમાં 624 રન, સરેરાશ-29.71, સદી-1 અને અડધી સદી-2


4- વીવીએસ લક્ષ્મણ - 18 ઇનિંગ્સમાં 566 રન, સરેરાશ-40.42, અડધી સદી-4


5- સૌરવ ગાંગુલી - 17 ઇનિંગ્સમાં 506 રન, સરેરાશ 36.14, અડધી સદી-4


ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક છે


ટીમ ઈન્ડિયા પાસે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવાની તક છે. જો તે કેપટાઉન ટેસ્ટ જીતશે તો તે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતશે. ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 113 રને જીત મેળવી હતી. બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર વાપસી કરીને ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું.


કેપટાઉન ટેસ્ટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લંચ સુધીમાં તેણે 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા હતા. કોહલી 15 અને ચેતેશ્વર પુજારા 26 રને અણનમ છે.