ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બે મેચોની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજથી મોહાલી ખાતે શરુ થઈ છે. પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમમાં આજે વિરાટ કોહલી પર સૌની નજર હતી. કારણ કે, આજની મેચ વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ મેચ હતી. વિરાટના ચાહકોને આશા હતી કે, ઘણા સમયથી સદી ના ફટકારી ચુકેલો વિરાટ પોતાની 100મી ટેસ્ટ મેચમાં 100 રન કરીને સદી ફટકારશે. પણ ચાહકોની આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે, શ્રીલંકાના સ્પિનર લસિથ એમ્બુલડેનિયાની ઓવરમાં વિરાટ ક્લિન બોલ્ડ થયો. વિરાટે જ્યારે આઉટ થયો ત્યારે તેણે 76 બોલ રમીને 45 રન બનાવ્યા હતા. આ 45 રનમાં કોહલીએ 5 ચોકા માર્યા હતા.
ટ્વીટર પર થઈ ભવિષ્યવાણીઃ
વિરાટ કોહલીની 100મી ટેસ્ટની આ ઈનિંગ વિશે મેચના કલાકો પહેલાં એક ટ્વીટર યુઝરે ભવિષ્યવાણી કરી હતી જે સચોટ સાબીત થઈ છે. વિરાટ 45ના સ્કોર પર આઉટ થયો ત્યારથી જ આ ટ્વીટર યુઝરે કરેલું ટ્વીટ ખુબ વાયરલ થયું છે. વાત એમ છે કે, મેચના 10 કલાક પહેલાં Shruti#100 નામના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ થયું હતું કે, "કોહલી પોતાની 100મી ટેસ્ટમાં 100 રન નહી બનાવી શકે. 4 સુંદર કવર ડ્રાઈવ સાથે તે 45(100) રન બનાવશે અને પછી એમ્બુલડેનિયા તેમને બોલ્ડ આઉટ કરશે. કોહલી આઉટ થયા બાદ આશ્ચર્યચકિત થઈ જશે અને નિરાશામાં પોતાનું માથું હલાવતા નજર પડશે."
10 કલાક પહેલાં Shruti#100એ કરેલું આ ટ્વીટ અક્ષરશઃ સાચું સાબિત થયું હતું. કોહલી 45 રને આઉટ થયો, 4 નહીં પણ 5 ચોકા માર્યા હતા અને એમ્બુલડેનિયાએ તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. આઉટ થયા બાદ વિરાટ આશ્ચર્યચકિત પણ થયો હતો. Shruti#100ની ભવિષ્યવાણી સાચી પડતાં હવે આ ટ્વીટ ઘણું વાયરલ થયું છે.
કોહલીના 8000 રન પુરાઃ
શ્રીલંકા સામે પોતાની 45 રનની ઈનિંગ દરમિયાન કોહલીએ જ્યારે 38 રન પુરા કર્યા ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ પોતાના 8000 રન પણ પુરા કર્યા હતા. વિરાટ આ ઉપલબ્ધી મેળવનાર 8માં ભારતીય બેટ્સમેન બન્યા છે. હાલ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 200 મેચમાં 15921 રન બનાવ્યા છે. જ્યારે વિરાટનું નામ પણ 8 હજાર કે તેથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે.