IND vs SL, 1st Test: ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતે બીજા દિવસે 8 વિકેટના નુકસાન પર 574 રન બનાવી દાવ ડિકેલર કર્યો હતો. રવિન્દ્ર જાડેજા 175 રને અને શમી 20 રને નોટઆઉટ રહ્યા હતા. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડ્યો હતો.


કપિલ દેવનો કયો રેકોર્ડ તોડ્યો


જાડેજાએ સાતમા ક્રમે બેટિંગમાં આવીને કપિલ દેવનો રેકોર્ડે તોડ્યો હતો. કપિલ દેવે 1986માં કાનપુરમાં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીનો કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સાતમા ક્રમે બેટિંગ કરીને બનાવવામાં આવેલો રેકોર્ડ હતો. જાડેજાએ આ રેકોર્ડ તોડ્યો હતો. 2019માં ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટમાં રિષભ પંતે સાતમા ક્રમે બેટિંગ કરીને અણનમ 159 રન બનાવ્યા હતા.


જાડેજાનો વર્લ્ડ રેકોર્ડ


ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 228 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 17 ફોર અને 3 સિક્સ સામેલ હતી. આ ઇનિંગના કારણે જાડેજાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે છઠ્ઠી વિકેટ અથવા તેનાથી ઓછી વિકેટના ખેલાડીઓ સાથે એક ઇનિંગમાં ત્રણ સદીની ભાગીદારી કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. જાડેજા પહેલા કોઈ  બેટ્સમેન આ કારનામું કરી શક્યો નથી.


મોહાલી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ ઋષભ પંત સાથે છઠ્ઠી વિકેટ માટે 104 રન બનાવ્યા હતા. તેણે રવિચંદ્રન અશ્વિન સાથે 7મી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન અશ્વિન 61 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેણે 82 બોલનો સામનો કરતી વખતે 8 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જાડેજાએ મોહમ્મદ શમી સાથે 9મી વિકેટ માટે 103 રનની અણનમ ભાગીદારી રમી હતી. આ ભાગીદારીમાં શમીએ 20 રનનું યોગદાન આપ્યું હતું.


કેવી રહી ભારતીય ઈનિંગ


મોહાલી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટના નુકસાને 574 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ દરમિયાન જાડેજાએ 175 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિષભ પંત સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. પંતે 96 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 29 અને વિરાટ કોહલી 45 રન બનાવીને આઉટ થયા હતા. હનુમા વિહારીએ 58 રનનું યોગદાન આપ્યું હતું.