IND vs SL Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ આ વર્ષે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન છે. તેને આગામી શ્રીલંકા સામેની ટી-20 અને વન-ડે સીરિઝમા સ્થાન આપવામાં આવ્યું છે. T20 ટીમમાં તેને બઢતી આપવામાં આવી અને તેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો. જ્યારે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે વાઈસ કેપ્ટન બન્યા બાદ તે કેવું અનુભવે છે તો તેણે કહ્યું કે તે તેના માટે સપના જેવું છે. સૂર્યાએ કહ્યું કે તેને આવું થવાની કોઈ અપેક્ષા નહોતી.
બુધવારે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે 95 રનની ઇનિંગ રમ્યા બાદ સૂર્યાએ કહ્યું, 'મને તેની (વાઈસ-કેપ્ટન) કોઈ અપેક્ષા નહોતી. પરંતુ જે રીતે છેલ્લું વર્ષ પસાર થયું છે, મને લાગે છે કે તે મારા માટે એક પુરસ્કાર છે. મને આ મળ્યુ તેનું સારું લાગે છે.
સૂર્યકુમારે જણાવ્યું હતું કે તેમના પિતાએ તેમને આ સમાચાર આપ્યા હતા. સૂર્યાએ કહ્યું, 'મારા પિતાએ મને ટીમની યાદી મોકલી હતી કારણ કે તે હંમેશા સોશિયલ મીડિયા પર હોય છે. તે પછી અમે એકબીજા સાથે વાત કરી. તેમણે મને બીજો ટૂંકો સંદેશ મોકલ્યો. તેમણે લખ્યું કે વધુ દબાણ ન લો અને તમારી બેટિંગનો આનંદ લો.
સૂર્યકુમારે કહ્યું હતું કે 'મેં આંખો બંધ કરીને મારી જાતને પૂછ્યું, શું આ ટીમ છે? તે મારા માટે એક સ્વપ્ન જેવું હતું. આ મારી વર્ષોની મહેનતનું ફળ છે. મેં જે વૃક્ષ વાવ્યું હતું તે આખરે ઉગ્યું છે અને હવે હું તેના ફળનો આનંદ માણી રહ્યો છું. જે રીતે વસ્તુઓ થઈ રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.
ઇન્ટરનેશનલ ડેબ્યૂ ગયા વર્ષે જ થયું હતું
32 વર્ષીય સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેની ટૂંકી કારકિર્દીમાં તે T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયો છે. સૂર્યાએ અત્યાર સુધીમાં 42 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 44ની એવરેજ અને 180+ના સ્ટ્રાઈક રેટથી 1408 રન બનાવ્યા છે. તેણે 16 વનડે પણ રમી છે. તેને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.
શ્રીલંકા સામે ટી-20 સીરિઝ માટેની ટીમ ઇન્ડિયા
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સુર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર