IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
IND vs USA T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026: અમેરિકાએ ટોસ જીતી બોલિંગ લીધી; મુંબઈના વાનખેડેમાં ભારતની અગ્નિપરીક્ષા, બિમારીના કારણે સ્ટાર બોલર બુમરાહ આઉટ, સિરાજને મળ્યું સ્થાન.

IND vs USA T20 World Cup 2026: આઈસીસી 'ટી20 વર્લ્ડ કપ 2026' (T20 World Cup 2026) માં ભારતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. ગ્રુપ A ની પોતાની પ્રથમ મહત્વપૂર્ણ મેચમાં 'ટીમ ઈન્ડિયા' (Team India) અમેરિકા (USA) સામે ટકરાઈ રહી છે. જોકે, મેચ શરૂ થાય તે પહેલા જ લાખો ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાજનક અને નિરાશાજનક સમાચાર આવ્યા છે. ટીમનો સૌથી ભરોસાપાત્ર અને મેચ વિનર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આજની મેચમાં 'પ્લેઈંગ ઈલેવન' (Playing XI) નો હિસ્સો નથી.
મેચની શરૂઆતમાં યુએસએના કેપ્ટન મોનંક પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતીય બેટ્સમેનો માટે એક પડકાર સમાન બની શકે છે. ટોસ સમયે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) બુમરાહની ગેરહાજરીનું કારણ સ્પષ્ટ કર્યું હતું. સૂર્યાએ જણાવ્યું કે, "કમનસીબે, જસપ્રીત બુમરાહની તબિયત સારી નથી (Not Well), તેથી તે આજની મેચ રમી રહ્યો નથી."
આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી છે. બોર્ડના જણાવ્યા મુજબ, બુમરાહ હાલ બીમાર હોવાથી મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેથી સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતો. ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગતું નથી, તેથી તેના સ્થાને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને ટીમમાં તક આપવામાં આવી છે, જેની પાસે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ છે.
ટોસ હાર્યા બાદ પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આત્મવિશ્વાસ અકબંધ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમે ટોસ જીત્યા હોત તો પણ પહેલા બેટિંગ જ પસંદ કરત." વાનખેડેની પિચ હંમેશા બેટિંગ માટે શાનદાર રહી છે અને આજે મેદાન પર પવન હોવાથી બોલરોને પરેશાન કરતી 'ઝાકળ' (Dew) ની અસર ઓછી રહેશે તેવી આશા છે. આ રણનીતિને ધ્યાનમાં રાખીને વોશિંગ્ટન સુંદર અને સંજુ સેમસન પણ આજે રમી રહ્યા નથી.
બંને ટીમોની 'પ્લેઈંગ ઈલેવન' (Playing XI) પર નજર કરીએ તો, ભારત તરફથી સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને વરુણ ચક્રવર્તી મેદાનમાં ઉતર્યા છે. જ્યારે અમેરિકાની ટીમમાં મોનંક પટેલ (કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, સૈતેજા મુક્કલ્લા, મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, શુભમ રંજને, મોહમ્મદ મોહસીન, શાડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર અને અલી ખાનનો સમાવેશ થાય છે.
ભૂતકાળના રેકોર્ડ (Head to Head) ની વાત કરીએ તો, ટી20 વર્લ્ડ કપમાં ભારત અને અમેરિકા બીજી વાર સામસામે છે. આ પહેલા 2024 ના વર્લ્ડ કપમાં બંને ટીમો ટકરાઈ હતી, જેમાં ભારતે 7 Wickets થી શાનદાર જીત મેળવી હતી. ઘરઆંગણે રમી રહેલી ટીમ ઈન્ડિયા આ જીતનો રેકોર્ડ જાળવી રાખવા અને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરવા મક્કમ છે.
આ મેચમાં યુવા ખેલાડીઓ પર સૌની નજર રહેશે. ખાસ કરીને અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ખેલાડીઓ માટે આ વર્લ્ડ સ્ટેજ પર પોતાનું કૌશલ્ય બતાવવાની સુવર્ણ તક છે. અમેરિકાની ટીમમાં પણ ઘણા મૂળ ભારતીય ખેલાડીઓ છે, જે મેચને વધુ રોમાંચક બનાવે છે. હવે જોવું રહ્યું કે બુમરાહ વિનાનું ભારતીય બોલિંગ આક્રમણ અમેરિકા સામે કેવું પ્રદર્શન કરે છે.




















